
Porbandar news: પોરબંદર શહેરમાં રૂપિયા 70 લાખની લેવડ-દેવડ અંગે સૂરજ પેલેસ બંગલામાં 3 લોકોને ગોંધી રાખી તેઓને માર મારવાના ગુનામાં હિરલબા જાડેજા હાલ જૂનાગઢ જેલ હવાલે છે ત્યારે તેમને અને તેઓના 5 સાગરિતો મળી કુલ 6 સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો દાખલ થયો હતો. તેને લઈને આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક લાખના બોન્ડ પર જામીન પર છોડી મૂકવાનો આદેશ કર્યો છે. જો કે, સાયબર ફ્રોડ કેસમાં હિરલબાને હજી જેલમાં જ રહેવું પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદરમાં 70 લાખના વ્યવહાર અંગે અપહરણ અને મારમારવાના કેસમાં હિરલબા જાડેજાને ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહત આપી એક લાખના બોન્ડ ઉપર જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો. પરંતુ સાયબર છેતરપિંડી કેસમાં હજી હિરલબાને જેલવાસમાં રહેવાની નોબત આવી છે.
જાણો સમગ્ર મામલો
પોરબંદરમાં 70 લાખની લેવડ-દેવડ અંગે સૂરજ પેલેસ બંગલામાં ત્રણ લોકોને ગોંધી રાખી માર મારવાના ગુનામાં હિરલબા જાડેજા જૂનાગઢ જેલ હવાલે છે ત્યારે તેમની તથા તેમના પાંચ સાગરિતો મળી કુલ 6 સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ થયો છે.
પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસમથકના સબ ઈન્સ્પેકટર વી.આર. ચાવડાએ જાતે ફરીયાદી બનીને ગુન્હો નોંધ્યો છે કે પોરબંદરના સાયબરક્રાઇમ પોલીસ મથક ખાતે પાંચેક મહિના પહેલાં સાયબર ક્રાઇમ સંબંધિત જાણવાજોગ નોંધ થઇ હતી. જેની તપાસ કરતા સમગ્ર જિલ્લામાં સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા શંકાસ્પદ બેન્ક ખાતાની માહિતી મળી હતી. જેમાં પોરબંદરના એમ.જી. રોડ પર આવેલ કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતાની માહિતી મળી હતી.
જે 14 શંકાસ્પદ ખાતાની પોલીસે પ્રાથમિક તપાસ કરતા તે પૈકી પાંચ જેટલા ખાતામાં અલગ અલગ રાજ્યમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુન્હા દ્વારા છેતરપીંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર આ ખાતામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. ટૂંકાગાળામાં બેંકમાં ખુલેલા આ ૧૪ પૈકી ૧૦ ખાતામાં એડ્રેસ સૂરજ પેલેસ-પોરબંદરનું હોવાનું ખુલ્યું હતું. હિરલબા જાડેજાના નિવાસસ્થાને કોટક મહીન્દ્રા બેન્કના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા અન્ય લોકોના કપટપૂર્વક બેન્ક ખાતા ખોલાવી કુલ પાંચ ખાતામાં અલગ -અલગ રાજ્યોના સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના છેતરપિંડીથી રૂપિયા મેળવ્યા હતા. અને ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરતા આ તમામ છ સામે ધોરણસર ફરિયાદ દાખલ થઇ હતી.