
છેલ્લા ઘણા સમયથી લુખ્ખા તત્વોનો આતંક ગુજરાતભરમાં લોકોને સતાવી રહ્યો છે. જેને પગલે DGPના આદેશ બાદ રાજ્યભરની પોલીસ દ્વારા ગુનેગારો તથા અસામાજીક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓની પોલીસ દ્વારા આ પ્રકારના આરોપીઓનું લિસ્ટ બનાવી તમામને ઠેર ઠેર રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 133 અસામાજિક તત્વોને રાઉન્ડઅપ
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા ડિવિઝનમાં આવતા પોલીસ મથકોના 133 જેટલા ગુનેગારોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. હવે ગુનાખોરી કરશે તો મકાન પર ફરી વળશે બુલડોઝર અને પાસા તડીપાર સહિતની કાર્યવાહી થશે. પોલીસ અધિકારીઓએ દ્વારા ગુનેગારોને સ્પષ્ટ સુચના આપવામાં આવી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મારા મારી હત્યા દારૂ જુગાર અને ચોરીના ગુના અને મિલકત જેવા સંબંધિત ગુનાઓ સાથે જોડાયેલા 133 ગુનેગારોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. તમામના ગુનાહિત ઇતિહાસ ચકાસણી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠામાં પણ પોલીસની સખ્ત કાર્યવાહી
DGPના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસે પણ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા SPએ 100 કલાકમાં જિલ્લાની પોલીસે શું કામગીરી કરી તેને લઈ માહિતી આપી હતી. જિલ્લા SPએ કહ્યું 265 જેટલા ગેર કાયદેસર પાણી અને વીજ કનેક્શન કાપ્યા તથા પોલીસે 100 કલાકમાં ગુંડા તત્વોના ગેરકાયદેસર 58 જેટલા દબાણો જમીન દોષ કર્યા તેમજ 583 જેટલા ગુંડા તત્વોને આડેન્ટિફાય કરી મામલતદારને રિપોર્ટ કર્યો હતો.
આવનાર સમયમાં જો પોલીસના ધ્યાને આવા કોઈ પણ ગેર કાયદેસર દબાણો સામે આવશે તો તેને પણ દૂર કરાશે. જિલ્લા પોલીસ અઢી ત્રણ વર્ષમાં પ્રોહીબિશનના 42,000 હજાર કેસો કર્યા અને રૂ.105 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 986 જેટલા નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા. અંતે જિલ્લા SPએ કહ્યું રાજકીય પાર્ટીઓના આક્ષેપને અમે નથી જોતા અમારું ફોકસ માત્ર લોકોની સેવાનું છે.
કચ્છમાં પણ અસામાજિક તત્વો સામે ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ કચ્છમાં પણ પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. અંજારના લાખાપરના લીસ્ટેડ બુટલેગરનું મકાન તોડવામાં આવ્યું હતું. વર્ષામેડીના અંબાજી નગરમાં આવેલ મકાન તોડી પાડવામાં આવ્યું હતું. દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર સુજા રબારી સામે અંજાર પોલીસમાં જ 16થી વધુ ગુના નોંધાયેલા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.
મહેસાણામાં પણ ગુંડાતત્વો સામે કાર્યવાહી
મહેસાણા જિલ્લામાં પણ અસામાજિક ગુંડાતત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા શહેર ટીબી રોડ ઉપર બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગર સુનિલ ઠાકોર અને દિનેશ ઠાકોર ઉર્ફે હવેલીના દબાણો તોડાયા હતા. જિલ્લામાં કુલ 389 અસામાજિક ગુંડાતત્વો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. મહેસાણા, કડી, નંદાસણ, ઊંઝા સહિત 10 સ્થળે અસામાજિક ગુંડાતત્વોના દબાણો દૂર કરવામાં આવ્યા છે.