
રાજકોટ શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી એવું લાગે છે. રાજકોટના પ્રધ્યુમ્ન નગરમાં રહેતી પરિણીત મહિલા નિકીતા બારોટે વ્યાજખોરોએ તેનું ઘર પડાવી લીધાના આક્ષેપ બાદ ફિનાઈલ પીતા પહેલા મહિલાએ મોબાઈલમાં વીડિયો બનાવી પ્રધ્યુમ્ન નગર પોલીસ સ્ટેશન બહાર બે સંતાનોને લઈ જઈ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. જો કે મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
આ મહિલાએ પોલીસ પણ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. મહિલાએ ફિનાઈલ પીતા પહેલા મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો તેમાં સદ્દામ બદવાણી નામનો શખ્સ પૈસા માટે ત્રાસ આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો.
રાજકોટના પ્રધ્યુમનગર પોલીસ મથકમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના પ્રયાસના કેસમાં પીઆઈએ નિવેદન આપ્યું હતું કે, બે દિવસ અગાઉ મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને અટકાવ્યા હતા. ત્યારબાદ તાબડતોબ મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસ પૂછપરછમાં આરોપી સદ્દામ દ્વારા છેલ્લા 12 વર્ષથી વ્યાજ બાબતે હેરાન કરતા હોવાનું જણાવતા ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અરજી પોલીસ મથકે મહિલા દ્વારા કરવામાં આવી નથી તેવું પીઆઈએ નિવેદન આપ્યું હતું. હાલ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.