
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. વડતાલના એક સ્વામી જ્ઞાનપ્રકાશ સુરત ખાતે અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે મામલો વકાર્યો છે. આ નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સ્વામીએ માફી માંગીને વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે. તેમ છાંટતા વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યું. વીરપુર ખાતે સમાજના આગેવાનો અને વેપારીઓ દ્વારા બંધ પાળી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જે બાદ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વીડિયો મારફતે માફી માંગવાની વાત કરતાં મામલો થાળે પડ્યો.
આખરે રાજકોટ-વિરપુર જલારામ વિવાદ થાળે પડ્યો
વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપાને લઈને એક બફાટના કારણે વિવાદ ઊભો થયો હતો. રઘુવંશી સમાજ અને વિરપુર ગ્રામ પંચાયતના ઉગ્ર વિરોધ તથા સ્વામીને અપાયેલા અલ્ટિમેટમ બાદ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે થઈ સમજૂતી. દેવ સ્વરૂપ સ્વામી લોહાણા સમાજની માફી માંગી. સાથે જ અનુકૂળતાએ જ્ઞાનપ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે. સ્વામીએ પોતાના ફોલોવર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો. આ ઉપરાંત વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વીડિયો મારફત માફી માંગવામાં આવશે.
શું હતો વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારૂ એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'
જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો હત. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી હતી. સાથે જ વિવાદિત વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.
જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું
વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, આજે અને આવતીકાલે (જલારામો) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી કે, મેડિકલ અને હોસ્પિટલ ચાલું રાખવામાં આવશે. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આવતીકાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી વ્યૂહનીતિ 6 માર્ચના દિવસે જાહેર કરવામાં આવશે.