
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દેશી ફ્રીજ ગણાતા માટલાંની માંગમાં વધારો થયો છે.ત્યારે અમે તમને એવું ગામ બતાવીએ કે જે આખા ગુજરાતમાં માટલાં પુરા પાડે છે.જોઈએ એક વિશેષ અહેવાલ
ગુજરાત ભરમાં ફેમસ છે લીલછાના માટલાંઅને આ છે લીલછા ગામ જે ગુજરાતના મોટાભાગના ગામોમાં ભર ઉનાળે લોકોને પોતાની માટલીથી ઠંડક પહોંચાડે છે. ગામમાં 180 જેટલા પરિવારો વસવાટ કરે છે, અને પોતાના ઘરે જ માટલાં બનવાનું કામ કરી રહ્યા છે.ઠંડી અને કાળી માટીમાંથી બનતા માટલાં ગુજરાતના ખૂણે ખૂણે પ્રખ્યાત છે. અન્ય કોઈ વ્યવસાય ન હોવાના કારણે આ પરિવારો બારેમાસ માટલાં બનાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આ પરિવારો પાસે ન તો ખેતીની જમીન આવેલી છે. ના તો અન્ય કોઈ વ્યવસાય.રોજગારીનું એક માત્ર સાધન હોય તો એ છે માટીમાંથી માટલાં-લોરી સહિત અલગ અલગ માટીના વાસણો બનાવવાના અને પેઢીઓથી આ પરંપરા જળવાઈ રહી છે. તો માટલાં સહિત માટીના વાસણો આરોગ્ય માટે હિતકારક હોઇ તેની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
માટલાંની માંગ વધતા તેના ભાવમાં પણ 10 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે, અને તેનું મુખ્ય કારણ એ છે કે ચીકણી અને કાળી માટીની અછત બીજું બાજુ કોલસો અને બળતણ પણ મોંઘું થતા માટલાંના ભાવ ઉચકાયા છે.પહેલા માટલાં 80થી90 રૂપિયા વેંચાતા હતા.એના ભાવ 100થી110 જેટલા થયા છે.અને એમ છતાં માટલાનું ધૂમ વેચાણ હાલમાં જોવા મળી રહ્યું છે.
લોકોની તરસ છીપાવતો અને આકરી ગરમીમાં ઠંડક પહોંચાડતો આ કારીગર વર્ગ હાલમાં સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠો છે.કોલસાના ભાવમાં ઘટાડો થાય કે તે લોકોને જરૂરી માટી અને તેના બનાવવામાં વપરાતા મટિરિયલ્સના ભાવમા ઘટાડો કરાય તો આ ઉદ્યોગના કારીગરોને ઠંડક મળે એમ છે.