
ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ માથાભારે સજ્જુ કોઠારીના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘર બહાર ધૂળ ખાતી કાર હોવાનું સામે આવ્યું હતું. આ કારનો કબ્જે સજ્જુ પાસે હોવાથી પોલીસે ચાર લક્ઝુરિયસ કારને કબ્જે કરી હતી. આ કારમાંથી એક તો હરિયાણામાં રજીસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું હતું.
વ્યાજમાં કાર જમા લેવાયાની આશંકા
સજ્જુ કોઠારીની ચાર લક્ઝુરીયસ કાર પોલીસે કરી જપ્ત કરી હતી. જેગુઆર, મર્સિડિઝ, એમ.જી હેક્ટર અને ટોયેટોની ઇનોવા સહિતની ચાર લક્ઝુરિયસ કાર કબજે કરવામાં આવી છે. આ ચાર પૈકી એક ગાડી સુરત, એક ગાડી વલસાડ ગાડી રાજકોટ અને એક કાર હરિયાણામાં રજીસ્ટર થયેલી છે. આ તમામ ગાડીના માલિકોને પોલીસે બોલાવ્યા છે. સજ્જુ કોઠારીએ આ ગાડી વ્યાજના ચક્રમાં જમા લીધી છે કે અન્ય કોઈ રીતે તેની પણ તપાસ કરવામાં આવશે.
કાર પડાવી લેવાયાની આશંકા
પોલીસે કહ્યું કે, અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલી રહી હતી, તેમાં એક આરોપી સજ્જુ કોઠારી છે, જેના પર 33 જેટલા ગુનાઓ દાખલ છે અને બે વખત ગુજસીટોક લાગુ કરવામાં આવ્યું છે. તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું. ત્યારે અમે ત્યાં ગયા અને જોયું કે ચાર કાર આમ જ ઉભી હતી. નજીકના લોકોએ જણાવ્યું કે આ તમામ કાર સજ્જુ કોઠારી વાપરતો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક જેગુઆર કાર છે, જે રાજકોટ પાસિંગ છે. એમજી હેક્ટર કાર વલસાડ પાસિંગ છે. ત્રીજી ઇનોવા ક્રિસ્ટા સુરતમાં રજીસ્ટર્ડ છે. ચોથી મર્સિડીઝ કાર હરિયાણામાં રજીસ્ટર છે. ચારેય કારના માલિકોની વિગતો કાઢીને તેમને નોટિસ પાઠવવામાં આવી છે. તેમના આવ્યા પછી તેમનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તે કરવામાં આવશે. સજ્જુ કોઠારીના નજીકના લોકોએ જણાવ્યું છે કે આ કાર વ્યાજખોરી અને એક્સટોર્શનમાં લીધેલી છે. જો આ વાસ્તવિકતા હશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ કારનો કબ્જો લેવામાં આવ્યો છે. જો આ ગાડીના માલિકો ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.