
સુરતના રેલવે સ્ટેશન પર નવિનિકરણને લઈને મોટાભાગની ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડી રહી છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પરથી કાળાબજારી થતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ઉધના રેલવે સ્ટેશન પરથી ઘણા દિવસથી રેલવે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ વેઈટિંગ ટિકિટ નંબર લખીને તેને કન્ફર્મ ગણાવી યાત્રીઓ સાથે ચીટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ દેશની પહેલી બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ, સુરત-બિલિમોરા વચ્ચે ઈલેક્ટ્રિફિકેશન શરૂ
સીટ કોર્નરીંગ થતાં હોવાના આક્ષેપ
ઝેડઆરયુસીસી મેમ્બર કલ્પેશ બારોટે ડીઆરએમને લખેલા પત્રમાં કહેવાયું છે કે, સ્ટેશન પરિસરમાં જાહેરમાં અનઅધિકૃત લોકો દ્વારા ચા નાસ્તાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ટ્રેનોમાં સીટોનું કોર્નરીંગ કરવામાં આવી રહ્યું છે. આઈપીએફ ઉધનાની મિલીભગતથી ટ્રેનમાં અનઅધિકૃત લોકોને ચા નાસ્તો વેચવામાં આવી રહ્યો છે. રેલ નીરની જગ્યાએ ખરાબ અને ગંદા પાણીનું વેચાણ થઈ રહ્યું છે.
તપાસની માગ
આરપીએફ તથા પીઆરએસમાં ફરજ બજાવતા જવાનોની મિલિભગતથી ચાલતી ટ્રેનમાં ગરીબ યાત્રિઓની સાથે ટિકિટ કન્ફર્મ કરવાના નામે છેતરપિંડી થઈ રહી છે. તેમ છતાં રેલવે પ્રશાસન મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. જેથી ઉધના રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આઈપીએફ ઈન્સ્પેક્ટરની ભૂમિકા શંકાસ્પદ હોવાથી તેમના પર ખાતાકિય તપાસ થવી જોઈએ.