
સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. જો કે, સુવિધાઓથી લઈને તમામ બાબતોમાં સતત ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની પાછળ કચરાના ગંજ ખડકાયા હોવાનું સામે આવ્યું છે. બાયોમેડિકલ વેસ્ટને લઈને ગંદકીનું સામ્રાજ્ય હોવાનું સામે આવી રહ્યું છે.
ચેપ લાગવાની શક્યતા
નવી સિવિલમાં બાયોમેડિકલ વેસ્ટ સહિતની ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઇમરજન્સી વિભાગની પાછળ રસ્તાની વચ્ચે પડેલા વેસ્ટથી લોકોમાં બીમારીનો ભય જોવા મળી રહ્યો છે. તંત્રની ઉદાસીન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. બાયોમેડિકલ વેસ્ટને પગલે અન્ય લોકોને ચેપ લાગવાની શક્યતા જોવા મળી રહી છે.
દર્દીઓ પરેશાન
દર્દીઓના સંબંધીઓએ કહ્યું કે, કચરાની વચ્ચેથી ચાલીને જવાની ફરજ પડે છે. ગંદકીના કારણે દુર્ગંધ પણ આવે છે. જો કે, તંત્ર દ્વારા કચરાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્વચ્છતાના નારા લગાવવામાં આવી રહ્યાં છે. તેમ છતાં હોસ્પિટલ જ ગંદકી ફેલાવતી હોવાનું સામે આવી રહ્યું છે.