
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભુવાસણ ગામે આવેલ આશ્રમશાળામાં આજે ચકચારી ઘટના બની હતી. ભુવાસણ ગામે ઉત્તર બુનિયાદી આશ્રમશાળા આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં કન્યાઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓ આશ્રમશાળામાં જ રહે છે. જ્યાં આજે વહેલી સવારે ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વહેલી સવારે પ્રાર્થના સમયે તમામ વિદ્યાર્થીનીઓ એકત્રિત થઈ હતી. પરંતુ આ એક વિદ્યાર્થીની પ્રાર્થના સમયે હાજર નહીં મળતા આશ્રમશાળાની સંચાલિકા તેમજ કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા મૃતક વિદ્યાર્થિનીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શોધખોળ દરમિયાન આશ્રમશાળામાં નવા બની રહેલ બાથરૂમમાં આ વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાથી મૃતદેહ મળી આવ્યો હતો.
પરિવારજનો દોડી આવ્યા
ભુવાસણ આશ્રમશાળામાં વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભરી લેતા સૌ સંચાલકો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ત્યાં દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે આશ્રમ શાળા દ્વારા સૌપ્રથમ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જે મૃતક વિદ્યાર્થિની છે. તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા પરિવારજનો પણ આશ્રમ શાળા ખાતે ધસી આવ્યા હતા.
કારણ અકબંધ
સમગ્ર મામલે હાલ મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે બારડોલી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મૃતક વિદ્યાર્થિની તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામની શ્રમજીવી પરિવારમાંથી આવતી હોવાનું તેમજ એક વર્ષ અગાઉ જ અહીં ભુવાસણ ખાતે આશ્રમ શાળામાં અભ્યાસ અર્થે આવી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિની ભણવામાં પણ તેજસ્વી હોય અને કેટલાક દિવસોથી કોઈક રીતે પણ મૂંઝવણમાં હોય એવું કશું પણ સાથે વિદ્યાર્થિનીઓ કે શાળા સંચાલકોને ધ્યાન પર આવ્યું નથી. વિદ્યાર્થિનીએ કયા કારણસર અંતિમ પગલું ભર્યું એ કારણ તો હાલ અકબંધ જ રહ્યું છે.