
ગુજરાત ATS દ્વારા 24 ફેબ્રુઆરીએ મોટી કાર્યવાહી કરીને સુરતની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સ બનાવવામાં વપરાતુ પ્રતિબંધિત કેમિકલ અન્ય દેશમાં મોકલતા સતીશ સુતરિયા અને યુક્તા મોદી નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ATS એ બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
એટીએસના દરોડા
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડની રહેવાસી છે. તે અનેકવાર વિદેશ જઈ ચુકી છે. આ સિવાય તેના સાથી સતીશ સુતરિયાએ તો વિદેશમાં એક ઓફિસ પણ ખોલી દીધી હતી. આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે અમેરિકા દ્વારા પોતાના દેશમાં ડ્રગ્સના દૂષણને ખતમ કરવા માટે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની યાદી જાહેર કરી હતી. જેમાં ભારતના શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો ATSને આપવામાં આવી હતી. આ વિગતોના આધારે ATSએ દરોડા પાડી યુક્તા મોદી અને સતિશ સુતરિયાને ઝડપી લીધા હતાં.
કેવી રીતે મોકલતાં પ્રતિબંધિત કેમિકલ?
સતિશ સુતરિયાની દુબઈમાં ઓફિસ છે. જેથી યુક્તા સુરતથી પ્રતિબંધિત કેમિકલ દુબઈ મોકલતી. યુક્તા પાર્સલ પર Vitamin C લખી તેમાં ANPP અને NPP જેવા પ્રતિબંધિત કેમિકલ મોકલતી હતી. બાદમાં સતિશ કંપની ઇનવોઇસ-લેબલ બદલી તેને ગ્વાટેમાલા અને મિક્સિકોની કંપનીઓને પહોંચાડતો હતો. આ કેમિકલ દ્વારા ફેન્ટાલિન જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવા માટે વપરાય છે. આ સમગ્ર ઘટના ક્રમમાં આરોપીઓને પ્રતિબંધિત કેમિકલની ખરીદીના ખર્ચ કરતાં 60 થી 70 ટકાનો નફો મળતો.
કરોડોના ટ્રાન્ઝેક્શન આવ્યા સામે
ATSની તપાસમાં આરોપી યુક્તાના બેન્ક એકાઉન્ટમાંથી લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા હતાં. જેમાં 3 ડિસેમ્બરના દિવસે 30,36,765 રૂપિયા જમા થયા હતાં અને 5 ડિસેમ્બરે 33,75,960 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. યુક્ચાએ 9-9 લાખના ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા 36 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. ATS દ્વારા આ મામલે કોઈ અન્ય વ્યક્તિ સંકળાયેલા છે કે કેમ તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.