
વલસાડ જિલ્લાના કપરાડામાંથી પસાર થતાં વલસાડ-નાસિક નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા હતા. અનેક રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા હાઇવે પરના ખાડા રીપેરીંગ નહીં કરવામાં આવતા આખરે ગામના યુવકો એ જ તંત્રની રાહ જોયા વિના જાતે શ્રમદાન કરી મસ મોટા ખાડા પૂર્યા હતા.
ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી
ગામના યુવકોનું આ સેવાકીય કાર્ય પ્રેરણા રૂપ બની રહ્યું છે. ચોમાસાના ચાર મહિના કપરાડા તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે અહીંથી પસાર થતા વલસાડ-નાસિક નેશનલ હાઈવે ની હાલત ખરાબ થઈ ગઈ હતી. હાઈવે પર મસ મોટા ખાડા પડી ગયા હતા. આથી અનેક વખત અકસ્માતો સર્જાયા હતા. ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી.
અકસ્માતો અટકાવવા સેવાકીય કાર્ય
આ ઢોળાવ વાળા હાઈ વેની હાલત ખરાબ હોવા છતાં સંબંધીત વિભાગને સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ તંત્ર દ્વારા રીપેરીંગની કોઈ કાર્યવાહી નહિ કરતા આખરે આજુબાજુના ગામના યુવકોએ તંત્રની મદદની રાહ જોયા વિના જાતે જ શ્રમદાન કર્યું હતું. હાઇવે પર પડેલા મોટા ખાડાઓ જાતે જ પૂર્યા હતા. આમ કપરાડાના સુથારપાડા અને ફળી ગામ નજીક હાઇવે પરના પડેલા ખાડાઓને પુરી હાઈવે પર થતા અકસ્માતો અટકે તે માટે જાતે જ સેવાકીય કાર્ય કર્યું હતું.