
Assam CM Himanta Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ આજે (2 મે) કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી છે કે, જો લોકો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવે, તો તેમના ટાંટિયા તોડી નાખવામાં આવશે.
‘આપણામાંથી કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદ કહી રહ્યા છે’
પંચાયત ચૂંટણીની એક પ્રચાર રેલીમાં સંબોધન કરતી વખતે આસામના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને શક્તિ આપવા લોકોને પ્રાર્થના કરવાની અપીલ કરી છે, જેથી કરીને વિશ્વભમાં ક્યાં પણ છુપાયેલા પાકિસ્તાની આતંકવાદીઓનો સફાયો કરી શકાય. તેમણે ચેતવણી આપી છે કે, ‘પાકિસ્તાની આતંકવાદીઓ આવ્યા અને નિર્દોષ લોકોને મારી નાખ્યા. જોકે આપણામાંથી કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદ કહી રહ્યા છે, જેમાંથી અમે અનેક લોકોની ધરપકડ કરી છે અને જો કોઈ આવો નારો લગાવશે તો તેમના ટાંટિયા તોડી નાખીશું.’
અહીં ખઈ પાકિસ્તાનના ગુણગાન ગાનારાઓની જરૂર નથી : મુખ્યમંત્રી
તેમણે કહ્યું કે, ‘રાજ્ય અને દેશને એવા લોકોની જરૂર નથી, જેઓ અહીં રહે છે અને અહીં ખાય છે, પરંતુ પાકિસ્તાનના ગુણગાન ગાય છે. તેથી મેં પોલીસને નિર્દેશ આપ્યો છે કે, તમે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ કહેનારાઓના ચહેરા ન જુઓ, તેમની કાયદા હેઠળ ધરપકડ કરો અને તેમના ટાંટિયા તોડી નાખો. આપણે આપણા આસામ અને ભારતને મજબૂત કરવાનો છે.
પાકિસ્તાનની ગુણગાન ગાનારા 36ની ધરપકડ
કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જીવ ગુમાવનારાઓમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ આતંકી હુમલા બાદ ‘ભારતની ધરતી પર પાકિસ્તાનનો બચાવ કરવાના’ આરોપમાં આસામમાં અત્યાર સુધીમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે.