
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટાનાને લઈને દેશભરમાં શોક છવાયો છે. શહેરના એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ લંડન જવા માટે ગુરુવારે (12 જૂન) બપોરે રવાના થઈ હતી, જોકે આ પ્લેન ટેકઓફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ વિમાનમાં 230 મુસાફરો અને 12 કેબિન ક્રૂ મેમ્બર સવાર હતા, ત્યારે આ ઘટનાને લઈને ટાટા ગ્રૂપના પ્રમુખે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને ‘પ્લેન ક્રેશની ઘટનાને ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ’ ગણાવ્યો છે.
ટાટા ગ્રુપના પ્રમુખ એન.ચંદ્રશેખરને શું કહ્યું ?
ટાટા ગ્રુપના પ્રમુખ નટરાજન ચંદ્રશેખરન સહકર્મચારીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, ‘અમે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઈને આઘાત અને શોકમાં છીએ. એક પણ વ્યક્તિને ગુમાવવો, તે અમારા માટે દુઃખદ છે. એક સાથે આટલા બધા લોકોના મોતથી અમે આઘાતમાં છીએ. આ ઘટના ટાટા ગ્રુપના ઈતિહાસના કાળા દિવસમાંથી એક છે. મારી સંવેદના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો સાથે છે.’
https://twitter.com/ANI/status/1933505819632410856
અમે તપાસ ટીમને સંપૂર્ણ સહયોગ કરીશું : એન.ચંદ્રશેખરન
તેમણે વધુમાં કહ્યું કે, ‘તમે જાણો છો કે, પ્લેન ક્રેશ થવાની ઘટનાની તપાસ કરવા માટે ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. અમે ટીમને સંપૂર્ણ સહયોગ આપીશું અને ઘટનાનો નિષ્કર્ષ શોધવા માટે સંપૂર્ણ પારદર્શી રહીશું. અમે મૃતકોના પરિવારો, પ્રિયજનો તેમજ પાયલોટો, ચાલક દળ અને આપના પ્રત્યે ઋણી રહીશું. જો આપણે તથ્યોની પુષ્ટી કરી લઈશું, તો આવા સંકટને ધ્યાને રાખી આપણા સંચારમાં પારદર્શીતા લાવી શકીશું. અમે આટલા બધા લોકો દ્વારા વિશ્વનીય ગ્રુપ તરીકે એર ઈન્ડિયાને સંભાળી રહ્યા છે, ત્યારે અમારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અમારી પ્રથમ અને સૌથી મોટી પ્રાથમિકતા હતી, જેમાં કોઈપણ સમજૂતી ન કરી શકાય.’
પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.