
GST મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકારને કાયમ ઘેરતી આવી છે. આ વર્ષના બજેટ બાદ પરાઠા અને પોપકોર્ન પર લગાવાયેલા GST બાબતે વિરોધ કરનારા કોંગ્રેસને તાજેતરમાં નવો મુદ્દો મળી ગયો છે અને તે છે ડોનટ્સના GST બાબતે કરાયેલો કેસ.
GSTitis એટલે જીએસટીને લગતી બિમારીનો ભોગ
આ વિષયમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'પોપકોર્ન પછી હવે ડોનટ્સ પર પણ GST ની અસર પડી છે. સિંગાપોરની કંપની 'મેડ ઓવર ડોનટ્સ' (Mad Over Donuts) ને ભારત સરકાર દ્વારા રૂપિયા 100 કરોડની ટેક્સ નોટિસ મોકલવામાં આવી છે. ડોનટ્સ માટે પ્રખ્યાત આ બ્રાન્ડ પર (રેસ્ટોરન્ટ સેવા કહીને) તેના વ્યવસાયનું ખોટું વર્ગીકરણ કરવાનો અને ડોનટ્સ પર ફક્ત 5% GST ચૂકવવાનો આરોપ છે, જ્યારે કે બેકરી ઉત્પાદનો પર 18% ટેક્સ ચૂકવવાનો હોય છે. ટૂંકમાં, પોપકોર્ન બાદ હવે ડોનટ્સ GSTitis (GST નામની બિમારી)થી પીડિત થયું છે.’
સોશિયલ મીડિયામાં પણ ટેક્સની જટિલતા અંગે ટીકા
જો કે, કેન્દ્ર સરકારનો કંપની પર વ્યવસાયનું ખોટું વર્ગીકરણ બતાવીને ટેક્સ ચોરીનો આરોપ છે, પરંતુ સરકારની નીતિઓ પર કટાક્ષ કરતાં જયરામ રમેશે લખ્યું હતું કે, ‘ભારતમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની આ વાસ્તવિકતા છે. આને કારણે જ હવે GST 2.0 (GST ના નવા દરો લાગુ કરવા)ની જરૂરિયાત વધી ગઈ છે.’
આ સાથે અનેક સોશિયલ મીડિયા યુઝર્સે પણ પરાઠા, પોપકોર્ન અને ડોનટ્સ વગેરે પર GSTની આકરી ટીકા કરી છે. અનેક યુઝર્સ કહી રહ્યા છે કે, ભારતમાં GSTનું માળખું ખૂબ જ જટિલ છે. અનેક ચીજવસ્તુઓ પર ઝીંકાયેલો GST જ તર્કહીન છે.
પોપકોર્ન માટે ત્રણ ટેક્સ સ્લેબનો પણ વિરોધ
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર, 2024 માં કોંગ્રેસે કહ્યું હતું કે, ‘GST હેઠળ ‘પોપકોર્ન’ જેવી ચીજ માટે ત્રણ અલગ-અલગ ટેક્સ સ્લેબની વ્યવસ્થા વાહિયાત છે. આ બાબત (GST) સિસ્ટમ કેટલી જટિલ છે, એ બતાવે છે. શું મોદી સરકાર ધરમૂળથી સરળ અને ઓછો દંડાત્મક એવો GST 2.0 શરૂ કરવાની હિંમત બતાવશે?’
GSTમાં ઘટાડાની પણ સરકારે ખાતરી આપી હતી
એ સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 'GST દરોમાં વધુ ઘટાડો કરવામાં આવશે.' જયરામ રમેશે કોંગ્રેસ પાર્ટીની GST યોજનાના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘તેમની પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાના મેનિફેસ્ટોમાં 'સારા અને સરળ GST'ની કલ્પના કરી હતી. પાર્ટી હજુ પણ પોતાના એ વચન પ્રત્યે પ્રતિબદ્ધ છે.’
નોંધનીય છે કે, ‘મેડ ઓવર ડોનટ્સ’ વાળો મામલો હવે બોમ્બે હાઈકોર્ટમાં છે.
https://twitter.com/Jairam_Ramesh/status/1900762255144480806