
જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે એક મહિલાને ભારતથી પાકિસ્તાન પરત મોકલવાનો આદેશ આપ્યો હતો તે પહેલગામ આતંકવાદી હુમલા પછી મોકલવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોમાં પણ હતી. જો કે હવે કોર્ટે તેને પરત બોલાવવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે માનવતાના ધોરણે આ આદેશ આપ્યો છે. ઉપરાંત, ભારત સરકારને આ આદેશનું પાલન કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
બાર અને બેન્ચના મતે, રક્ષંદા રશીદને ભારત દ્વારા પાકિસ્તાન મોકલવામાં આવી હતી. રક્ષંદાએ આ નિર્ણય સામે 30 એપ્રિલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. એવું કહેવાય છે કે તે 38 વર્ષથી તેના પતિ અને બે બાળકો સાથે જમ્મુમાં રહેતી હતી, પરંતુ હાલમાં લાહોરની એક હોટલમાં છે. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવા કહ્યું હતું. 27 એપ્રિલની સમયમર્યાદા પછી, અધિકારીઓએ ઘણા લોકોને દેશનિકાલ કર્યા.
જસ્ટિસ ભારતી દ્વારા 6 જૂને જારી કરાયેલા આદેશમાં, રક્ષંદાના પતિની દલીલ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, તેમણે કહ્યું હતું કે રક્ષંદાનું પાકિસ્તાનમાં કોઈ નથી અને તે ઘણી બીમારીઓથી પીડાઈ રહી છે, જેના કારણે તેનો જીવ જોખમમાં છે.
માનવ અધિકારો સૌથી મહત્ત્વપૂર્ણ
કોર્ટે કહ્યું, 'માનવ અધિકારો માનવ જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે... તેથી, આ કોર્ટ ભારત સરકારના ગૃહ મંત્રાલયને અરજદારને દેશનિકાલમાંથી પાછા લાવવાનો નિર્દેશ આપે છે.' કોર્ટે એ પણ નોંધ્યું હતું કે અરજદાર LTV એટલે કે લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહેતી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહિલાને તેના કેસની તપાસ કર્યા વિના અને યોગ્ય આદેશ વિના દેશમાંથી હાંકી કાઢવામાં આવી હતી. આવી સ્થિતિમાં, કોર્ટે ગૃહ મંત્રાલયને મહિલાને પાકિસ્તાનથી પરત લાવવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે આદેશ આપ્યો હતો કે, 'કેસના તથ્યો અને અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, જ્યાં પહેલગામ હત્યાકાંડ પછી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા અભિયાન હેઠળ અરજદાર શેખ ઝહૂર અહેમદની પત્ની રક્ષંદા રશીદને કથિત રીતે પાકિસ્તાન મોકલવામાં આવી હતી. આ કોર્ટ ગૃહ મંત્રાલયના સચિવને અરજદારને જમ્મુ અને કાશ્મીર પરત લાવવાનો આદેશ આપે છે, જેથી તે જમ્મુમાં તેના પતિ શેખ ઝહૂર અહેમદને મળી શકે.'