
Indian Railways New Rules: રેલવે ટ્રેનમાં પ્રવાસ કરનારા કરોડો લોકો માટે જુલાઈથી મહત્ત્વના ફેરફાર થવાના છે. ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ભારતીય રેલવે પોતાના રેવન્યૂ પર ફોકસ કરતા ભાડામાં વધારો કરવા જઈ રહી છે. આ તમામ ફેરફાર જુલાઈ મહિનાથી લાગુ થશે.
ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર થશે
ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે ભારતીય રેલવે નિયમોમાં ફેરફાર કરી રહી છે. 1 જુલાઈથી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે. IRCTCની મોબાઈલ એપ અને વેબસાઈટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ તેમના IRCTC એકાઉન્ટને આધાર સાથે ઓથેન્ટિકેટ કરાવવું પડશે. નવા નિયમો અમલમાં આવ્યા પછી, તત્કાલ ટિકિટ ફક્ત તે એકાઉન્ટ્સમાંથી જ બુક કરી શકાશે જે આધાર-વેરિફાઈડ છે.
કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે OTP ફરજિયાત થશે
ઓનલાઈન તત્કાલ ટિકિટ માટે ભીડની સાથે, ઓફલાઈન તત્કાલ ટિકિટ માટે પણ ઘણો સંઘર્ષ થયો છે. આવી સ્થિતિમાં, રેલવે કાઉન્ટર પરથી બુક કરાવાયેલી તત્કાલ ટિકિટ માટે પણ નિયમો બદલાઈ રહ્યા છે. 15 જુલાઈથી અમલમાં આવનારા નવા નિયમો હેઠળ, રેલવે કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે OTP વેરિફાઈ જરૂરી રહેશે. 15 જુલાઈથી, જ્યારે તમે રેલવે કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા જશો, ત્યારે તમારા ફોન નંબર પર એક OTP આવશે. તમારા મોબાઇલ પર પ્રાપ્ત OTP સિસ્ટમમાં ફીડ કર્યા પછી જ તમારી ટિકિટ બુક કરવામાં આવશે.
1 જુલાઈથી ટ્રેનના ભાડામાં વધારો થશે
1 જુલાઈથી ટિકિટના ભાવમાં વધારો થવાનો છે. જોકે, આ વધારાની ખાસ અસર નહીં પડે. ભાડા વધારા લાગુ થયા પછી, એસી ક્લાસમાં મુસાફરી કરવા માટે પ્રતિ કિમી ૨ પૈસા વધારાના લેવામાં આવશે. તેવી જ રીતે, સ્લીપર ક્લાસ માટે પ્રતિ કિમી 1 પૈસા વધારાના લેવામાં આવશે. જનરલ ક્લાસ અને MST માટે 500 કિમીથી ઓછી મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જો જનરલ ક્લાસ અને MST દ્વારા 500 કિમીથી વધુ અંતર કાપવામાં આવે છે, તો દરેક કિમી માટે 0.50 પૈસા વધારાના લેવા પડશે.