Home / India : Kejriwal's 'wall' has broken in Delhi, know the 5 major reasons for AAP's defeat

દિલ્હીમાં તૂટી ગઈ કેજરી'વોલ', જાણો AAPની હારના 5 મોટા કારણો

દિલ્હીમાં તૂટી ગઈ કેજરી'વોલ', જાણો AAPની હારના 5 મોટા કારણો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ બાદ ભાજપની દિલ્હીમાં સરકાર બની છે, ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગત ચૂંટણી કરતાં ખરાબ દેખાવને લઈને ચર્ચા થઈ રહી છે. 2015માં આમ આદમી પાર્ટીએ 67 બેઠકો જીતી હતી પરંતુ, 2020માં આ સંખ્યા ઘટીને 62 થઈ ગઈ. બીજી બાજુ ભાજપે 2015માં 3 બેઠક જીતી હતી જે 2020માં વધીને 8 થઈ ગઈ. આ વખતે ભાજપે બહુમતનો આંકડો પણ પાર કરી લીધો છે. જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પાછળ ઘણાં મુખ્ય કારણો જવાબદાર રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

1. ભ્રષ્ટાચારના આરોપ અને કાયદાકીય સમસ્યા

પાર્ટીના ટોચના નેતાઓ, ખાસ કરીને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર લાગેલાં ભ્રષ્ટાચારના આરોપ અને તેમની ધરપકડે પાર્ટીની છબીને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. આ કાયદાકીય વિવાદોએ આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધી છબીને કમજોર કરી દીધી. આ સિવાય તેણે પોતાના વચનો પણ પૂરા ન કર્યાં. કેજરીવાલે યમુના નદીને સાફ કરવા, દિલ્હીના રસ્તાને પેરિસ જેવા બનાવવા અને શુદ્ધ પાણી પહોંચાડવા જેવા ત્રણ મુખ્ય વચન આપ્યા હતાં, જે પૂરા ન થયાં.

2. નેતૃત્વમાં અસ્થિરતા

કેજરીવાલની ધરપકડ અને બાદમાં રાજીનામાંના કારણે પાર્ટીના નેતૃત્વમાં અસ્થિરતા આવી. નવા મુખ્યમંત્રીના રૂપે આતિશીની નિયુક્તિ છતાં નેતૃત્વમાં આ બદલાવ પાર્ટી માટે ચેલેન્જ રહ્યો. સૌથી મોટી વાત એ રહી કે, અરવિંદ કેજરીવાલની વિશ્વસનીયતામાં ખૂબ જ ઘટાડો થયો.

3. કોંગ્રેસે વોટ કાપ્યાં

કોંગ્રેસ કદાચ એક બેઠક પણ માંડ જીતી શકત તેમ છતાં તેણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વોટ કાપવાનું કામ કર્યું છે. જેમ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કર્યું હતું. 2013 બાદ કોંગ્રેસની વોટ બેન્ક આમ આદમી પાર્ટી પાસે જતી રહી, તેથી કોંગ્રેસની વાપસી આપને નુકસાન કરી રહ્યું છે. સાથે જ 2024 લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠક પર હાર અને પંજાબમાં ફક્ત ત્રણ બેઠકો પર જીતે પાર્ટીના જનાધારમાં ઘટાડો બતાવ્યો, જેનાથી મતદારોનો વિશ્વાસ ઓછો થયો.

4. આંતરિક વિખવાદ

પાર્ટીની અંદર આંતરિક વિખવાદ અને પ્રમુખ નેતાઓના રાજીનામાં જેમ કે, કૈલાશ ગહેલોત અને રાજ કુમાર આનંદનું પાર્ટી છોડીને જવું સંગઠનાત્મક કમજોરી ઉજાગર કરે છે. 

5. વિપક્ષી પાર્ટીઓના આરોપોનો પ્રભાવ

વિપક્ષી પાર્ટીએ આમ આદમી પાર્ટી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉપયોગ કરીને તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કર્યાં. જેનાથી પાર્ટીની છબીને નુકસાન પહોંચ્યું. મહિલાઓ અને નવા મતદારો આમ આદમી પાર્ટીને તરફ ન વળ્યાં અને આપ સાઇડલાઈન થઈ ગઈ.

 

Related News

Icon