
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુરુવારે સવારે એક સાથે 18થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. NIA દ્વારા પંજાબમાં 9, હરિયાણામાં 7 અને ઉત્તર પ્રદેશમાં 2 સ્થાનો પર આતંકી કાવતરા મામલે દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પંજાબમાં જાલંધર અને ટાંડા ઉડમુરમાં દરોડા પાડ્યા છે. જાલંધરના ફ્રેન્ડ્સ કોલોની અને ઉડમુર શહેરમાં બે અલગ અલગ ઘરો પર દરોડા પાડવામાં આવતા બંને વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો હતો.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, NIA ટીમે ઉડમુરના ગઢી મોહલ્લાના રહેવાસી એક યુવકના ઘરે દરોડો પાડ્યો હતો. આ યુવક હાલમાં વિદેશમાં રહે છે. આ સાથે NIA ટીમે તે જ શહેરના અન્ય એક યુવકના ઘરે પણ દરોડાની કાર્યવાહી કરી હતી. બંને સ્થળોએ ટીમ દ્વારા સઘન પૂછપરછ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવક પાસેથી કેટલાક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો મળી આવ્યા છે. તેના મોબાઇલની કોલ ડિટેલ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે. તે કોના સંપર્કમાં હતો તેની પણ ટીમ દ્વારા તપાસ કરી રહી છે. હાલમાં સ્થળ પર પોલીસ તૈનાત છે અને કોઈને ઘરમાં પ્રવેશવાની મંજૂરી નથી. ટૂંક સમયમાં NIA આ દરોડા અંગે સત્તાવાર માહિતી શેર કરી શકે છે.
જોકે, આ દરોડા કયા કેસ સાથે સંબંધિત છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. NIA દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સુરક્ષા એજન્સીઓએ દરોડાને લઈને સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દીધી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, NIA ટીમ વહેલી સવારે પહોંચી હતી અને ઘણા કલાકો સુધી ઓપરેશન ચાલુ રહ્યું હતું. આ અચાનક દરોડાને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને લોકો તેનું કારણ જાણવા માટે ચર્ચામાં લાગી ગયા છે.