
India Stopped Water Flow of Chenab to Pakistan: કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક નિર્ણયો લઈ રહ્યું છે. જેના પગલે ભારતે 24 એપ્રિલના રોજ એક નિર્ણય લીધો હતો જેમાં વર્ષ 1960 ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હવે સરકાર એવી યોજના બનાવી રહી છે જેના કારણે પાકિસ્તાનને પાણીના દરેક ટીપા માટે તડપવું પડશે. ભારત સરકાર પાકિસ્તાન તરફ વહેતા પાણીને સંપૂર્ણપણે બંધ કરવા માટે ત્રણ પાયાની વ્યૂહરચના બનાવી રહી છે. નદીના પાણીને રોકવાની પ્રક્રિયા લાંબી હોવાથી, સરકાર તેને તબક્કાવાર અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે.
ભારતે ચિનાબ નદીના પાણીનો પ્રવાહ અટકાવ્યો
આ સંધિ હેઠળ, સિંધુ નદી અને તેની સહાયક નદીઓ ચિનાબ, જેલમ અને સતલજનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાયેલા છે. સંધિ મુજબ ચિનાબ અને અન્ય પશ્ચિમી નદીઓના પાણી મુખ્યત્વે પાકિસ્તાનને જાય છે, જ્યારે ભારતને મર્યાદિત ઉપયોગનો અધિકાર છે. જોકે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારતને આ કડક પગલું ભરવાની ફરજ પાડી. સરકારનું કહેવું છે કે પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને સરહદ પારથી થતી ઘૂસણખોરીને સતત ટેકો આપવાને કારણે આ સંધિ હવે ભારતના હિતોની વિરુદ્ધ છે.
ભારત સરકારની યોજના શું છે?
પાકિસ્તાન તરફ વહેતા પાણીને સંપૂર્ણપણે રોકવા માટે, ત્રણ સ્તરીય વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે, જેમાં ટૂંકા ગાળાની યોજના, મધ્ય ગાળાની યોજના અને લાંબા ગાળાની યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનાનો રોડમેપ ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં નદીઓને ડિલિસ્ટ કરવા અને કાંપ કાઢવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. આ દ્વારા પાકિસ્તાન તરફ વહેતું પાણી રોકીને ભારત તરફ વાળવામાં આવશે.
ભારતથી એક પાણી ટીપું પણ પાકિસ્તાન ન જાય: સી.આર. પાટીલ
આ નિર્ણય હેઠળ, ભારતે ચિનાબ નદીના પાણીનો પ્રવાહ પાકિસ્તાન તરફ વહેતો અટકાવી દીધો છે, જેની અસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જોવા મળી રહી છે. જ્યારે કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, 'સરકાર એવી રણનીતિ પર કામ કરી રહી છે કે ભારતથી એક પાણી ટીપું પણ પાકિસ્તાન ન જાય.'
https://twitter.com/ANI/status/1915765206183035035
પાકિસ્તાનની ખેતી અને પીવાના પાણી માટે ચિનાબનું પાણી મહત્ત્વપૂર્ણ
ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દ્વારા નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું છે. આ પગલા બાદ, પાકિસ્તાનના પંજાબના સિયાલકોટમાં મરાલા હેડવર્કસના સ્થાનિકોએ અહેવાલ આપ્યો કે ચિનાબ નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ચિનાબ નદી પાકિસ્તાનની ખેતી અને પીવાના પાણી પુરવઠા માટે મહત્ત્વપૂર્ણ છે.
સિંધુ જળ સંધિ શું છે?
સિંધુ જળ સંધિ એ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ થયેલ જળ કરાર છે. આ સંધિ હેઠળ, છ મુખ્ય નદીઓને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. ભારતને પૂર્વીય નદીઓ સતલજ, બિયાસ અને રાવી પર નિયંત્રણ અને ઉપયોગ મળ્યો, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણીના અધિકારો આપવામાં આવ્યા. આ સંધિ બંને દેશો વચ્ચે પાણીની વહેંચણી અંગે સ્થિરતા જાળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
સિંધુ જળ સંધિના પાણી રોકવા આ પગલાં પણ લઈ શકાય
ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું તમામ પાણી રોકી શકવાની સ્થિતિમાં નથી. ભારત સિંધુ જળ સંધિ સ્થગિત કરવા માટે બે પગલાં ભરી શકે છે.
જેમાં એક પશ્ચિમી નદીઓ એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબમાં નિયંત્રિત પાણીના પ્રવાહને અટકાવી શકે છે. આ નદીઓ પરના ડેમ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાંથી પાણી છોડવાનું બંધ કરી શકે પણ આ ભારતમાં આ ત્રણ નદીઓ પર બહુ પ્રોજેક્ટ નથી તેથી મોટા પ્રમાણમાં પાણીને ના રોકી શકાય.
ચિનાબના બગલીહાર ડેમ બંધ કરી પાણી અટકાવી શકે
બીજું ચિનાબ પરનો બગલીહાર ડેમ સહિતના ડેમમાંથી ભારત પાણી ના છોડે તો પાકિસ્તાન તરફના પ્રવાહમાં ઘટાડો થઈ શકે છે. પાકિસ્તાનના સિંચાઈ અને પીવાના પાણીમાં ઘટાડો થશે તેથી તેની અસર પાકિસ્તાન પર પડશે. જો કે આ નદીઓમાંથી કુદરતી પ્રવાહ ચાલુ રહેશે તેથી પાણી સંપૂર્ણપણે બંધ નહીં થાય.
નવા ડેમ બનાવી પાણી રોકી શકે છે
ભારત ભવિષ્યમાં નવા ડેમ બનાવીને આ ત્રણ નદીઓના પ્રવાહને પાકિસ્તાનમાં જતું રોકી શકે. ભારતમાં ચિનાબ નદી પર બની રહેલા પાકલ દુલ (1,000 મેગાવોટ) અને સાવલકોટ (1,856 મેગાવોટ) બંધોના કામમાં ઝડપ લાવીને ભવિષ્યમાં ચિનાબમાં પાણીના પ્રવાહ પર નિયંત્રણ વધારી શકશે.
વિયેના સંધિ હેઠળ સિંધુ જળ કરાર રદ કરવાની સત્તા
ભૂતકાળમાં ભારત સિંધુ જળ સંધિને રદ કરી શકે તેમ હતું પણ ભારતે એવું ના કર્યું કેમ કે ભારત માનવીય અભિગમ બનાવીને વર્ત્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971માં બે પૂર્ણ કક્ષાના યુદ્ધ થયા, જ્યારે કારગિલમાં 1999માં યુદ્ધ થયું છતાં આ સંધિ ટકી રહી હતી. સિંધુ જળ સંધિ રદ કરવાની માગ થઈ હતી છતાં સંધિને અસર નહોતી થઈ. પુલવામા હુમલા પછી નરેન્દ્ર મોદી સરકારે સિંધુ જળ સંધિ રદ કરવા વિચારણા કરી હતી પણ પછી નિર્ણય ટાળ્યો હતો.
હવે ભારત ઇચ્છે તો સિંધુ જળ સંધિને રદ પણ કરી શકે છે. પાકિસ્તાન આતંકવાદી જૂથોનો ઉપયોગ કરીને ભારતમાં નિર્દોષ લોકોની હત્યા કરાવે છે એવું કારણ આપીને ભારત આ સંધિ રદ કરાવી શકે છે. વિયેના સંધિના લૉ ઑફ ટ્રીટીઝની કલમ 62 હેઠળ ભારતને સંધિમાંથી હટી જવાનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા પ્રમાણે, બં દેશો વચ્ચેના સંબંધોની મૂળભૂત સ્થિતિમાં પરિવર્તન થાય તો કોઈ પણ સંધિને રદ કરી શકાય છે.
શાહપુર કાંડી બેરેજથી રાવીનું પાણી અટકાવ્યું
ભારતે રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જાય જ નહીં એવી ગોઠવણ કરી છે પણ બાકીની નદીઓનું પાણી રોકી શકાય તેમ નથી. ભારતે રાવી નદી ઉપર શાહપુર કાંડી બેરેજ બનાવ્યો છે. આ બેરેજનું ગયા વરસે ફેબ્રુઆરીમાં બાંધકામ પૂરું થઈ જતાં રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જતું બિલકુલ બંધ થઈ ગયું છે. મતલબ કે, રાવી નદીનું એક ટીપું પણ પાણી હવે પાકિસ્તાનમાં નથી જતું.
પંજાબ અને જમ્મુ તથા કાશ્મીર સરહદે બનેલા શાહપુર કાંડી બેરેજના કારણે પહેલાં પાકિસ્તાનમાં 1150 ક્યુસેક પાણી જતું રહેતું. નવો બેરેજ બનતાં આ પાણીનો ઉપયોગ ભારતમાં પંજાબ અને જમ્મુ તથા કાશ્મીરમાં સિંચાઈ માટે કરી શકાય છે. આ બંને રાજ્યોમાં કુલ મળીને 1.50 લાખ વીઘા ખેતી માટે પાણી મળે છે અને સાથે સાથે વીજળી પણ પેદા થાય છે તેથી બંને રાજ્યોને મોટો ફાયદો થયો છે. શાહપુર કાંડી બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત 1995માં પી.વી. નરસિંહરાવે કર્યું હતું. મોદી સરકારના શાસનમાં એટલે કે લગભગ ત્રણ દાયકા પછી યોજના પૂરી થઈ છે.