
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં કાનુની પ્રક્રિયાનું પાલન કર્યા વિના લોકોના મકાનો તોડી પાડવાના મામલાને ધ્યાને લીધો છે. કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આવી કાર્યવાહી ચોંકાવનારી છે. આનું ખોટું ઉદાહરણ જાય છે. સુનાવણી દરમિયાન, જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે બુલડોઝર ફેરવી મકાનો તોડી પાડવાને દમનકારી પગલું ગણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું છે કે સરકારે તોડી પાડેલા મકાનો ફરીથી બનાવી લોકોને પરત કરવા પડશે.
મકાનો તોડીને આવી કાર્યવાહી કેમ કરી રહ્યા છો?
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, "પ્રથમ નજરે આ કાર્યવાહી ચિંતાજનક છે અને લોકોમાં ખોટો સંદેશ આપે છે. આને સુધારવાની જરૂર છે. તમે મકાનો તોડીને આવી કાર્યવાહી કેમ કરી રહ્યા છો? અમને ખબર છે કે આવી તકનીકી દલીલો સામે કેવી રીતે નિપટવું. છેવટે, કલમ 21 અને આશ્રયના અધિકાર જેવું કંઈક છે.
ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવાનો આરોપ લગાવ્યો
સુપ્રીમ કોર્ટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમણે સરકાર પર ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. સરકારના મતે 2023માં પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદની જમીન હતી.
નોટિસ આવી રીતે કેમ ચોંટાડવામાં આવી?
અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે અરજદારોની આ અરજી ફગાવતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે તેમને માર્ચ 2021માં શનિવારે રાત્રે નોટિસ આપવામાં આવી અને રવિવારે ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારોએ એમ પણ કહ્યું કે, રાજ્યે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. સરકાર વતી કેસ રજૂ કરતી વખતે એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે લોકોને નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જોકે, જસ્ટિસ ઓકા અસંમત હતા. નોટિસ આવી રીતે કેમ ચોંટાડવામાં આવી? કુરિયર દ્વારા કેમ મોકલવામાં ન આવી? કોઈપણ વ્યક્તિ આ રીતે નોટિસ આપશે અને તોડફોડ કરશે. આ એક ખરાબ ઉદાહરણ છે.
આ દરમિયાન એટર્ની જનરલે આ મામલાને હાઈકોર્ટમાં મોકલવાની માંગ કરી હતી. હું ડિમોલિશનનો બચાવ નથી કરી રહ્યો પરંતુ આ બાબતે હાઈકોર્ટને વિચાર કરવા દેવામાં આવે. જોકે કોર્ટે આ માગ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, સહેજ પણ નહીં. ફરીથી હાઈકોર્ટમાં જવાની જરૂર નથી. આ મામલો મુલતવી રાખવામાં આવશે.