
મહારાષ્ટ્રના જલગાંવમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી છે. જિલ્લાના બોડવાલ રેલવે સ્ટેશન નજીક ઘઉં ભરેલો એક ટ્રક અનધિકૃત રીતે રેલવે ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યો હતો. ટ્રક રેલવે ફાટક તોડીને પાટા પર પહોંચી ગયો. આ દરમિયાન, હાઇ સ્પીડ અંબા એક્સપ્રેસ (મુંબઈ-અમરાવતી) એ ટ્રકને ટક્કર મારી. આ ભયાનક ટક્કરમાં ટ્રકના બે ટુકડા થઈ ગયા અને તેનો આગળનો ભાગ રેલવે એન્જિન સાથે ચોંટી ગયો.
અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રેલવેને મોટું નુકસાન થયું હતું. આ દુર્ઘટના બાદ, મધ્ય રેલ્વેના મુંબઈ-કોલકાતા રૂટ પર ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરને નુકસાન થયું હતું, જેના કારણે રૂટ પર રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. રેલ્વે પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 4:30 વાગ્યે બની હતી. હાલમાં આ માર્ગ પર સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
સમારકામ કાર્ય ચાલુ છે
રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટુંક સમયમાં રેલવે ટ્રેક પુનઃસ્થાપિત થઈ જશે અને ટ્રાફિક સરળતાથી શરૂ થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક ચાલકે નિયમોની અવગણના કરીને રેલવે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે આ અકસ્માત થયો. રેલવે પ્રશાસને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને ટ્રક ડ્રાઈવરની બેદરકારી બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.