
Operation Sindoor: ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત પછી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીની ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગના વચ્ચે વિક્રમ મિસરીએ પોતાનું એક્સ એકાઉન્ટની પોસ્ટ પ્રોટેક્ટેડ કરી નાખી છે. ઘણા ટીકાકારોએ વિક્રમ મિસરીના જૂના ફોટા અને પરિવારના સભ્યો અંગે ખરાબ ટિપ્પણીઓ પણ કરી છે. પરંતુ ટ્રોલિંગ વચ્ચે એઆઈએમઆઈએમના પ્રમુખ હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વિક્રમ મિસરીના ટેકામાં ઉતરી પડયા છે. ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખી આ ટ્રોલ્સને ખખડાવી નાખ્યા છે.
હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જે રીતે ટ્રોલ્સને વળતો જવાબ આપતા વિક્રમ મિસરીનો બચાવ કર્યો છે, જે દિલ જીતી લેનારું છે. ઓવૈસીની સાથે કોંગ્રેસ નેતા સલમાન અનીસ સોઝે પણ ટ્રોલ્સને ભારે ફટકાર લગાવી છે
વિક્રમ મિસરી ઈમાનદાર અને મહેનતી રાજનાયિક
અસદુદ્દીન ઓવૈસીએ પોતાની સોશિયલ મીડિયામાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીને હાર્ડ વર્કિંગ અને ઈમાનદાર ડિપ્લોમેટ જણાવ્યા છે. ઓવૈસીએ લખ્યું કે, વિક્રમ મિસરી એક સભ્ય, ઈમાનદાર અને મહેનતી રાજનયિક છે, આપણા દેશ માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. આપણા સિવિલ સર્વન્ટ તંત્રને અનુરૂપ કામ કરે છે. આ યાદ રાખવું જોઈએ તેઓને દેશ ચલાવનાર કોઈપણ રાજકીય નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયો માટે દોષિત ન ઠેરવવા જોઈએ.
https://twitter.com/asadowaisi/status/1921491031079686442
કોંગ્રેસ નેતાએ કહ્યું- જો તમે આભાર ન કહી શકો, તો તમારું મોં બંધ રાખો
આ અગાઉ, કોંગી નેતા સલમાન અનીસ સોઝે પણ વિદેશ સચિવ વિક્રમ મિસરીનો પક્ષ લેતા ટ્રોલ્સ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા સલમાન અનીસ સોઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, 'વિક્રમ મિસરી એક કાશ્મીરી છે અને તેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે. ગમે તેટલી ટ્રોલિંગ દેશ પ્રત્યેની તેમની સેવાને ઓછી કરી શકતી નથી. જો તમે આભાર ન કહી શકો, તો તમારું મોં બંધ રાખો.
https://twitter.com/SalmanSoz/status/1921468469599519113
યુદ્ધવિરામની જાહેરાતથી લોકોમાં નારાજગી
ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી, સેનાના કર્નલ સોફિયા કુરૈશી અને વાયુસેનાની અધિકારી વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ પહલગામ આતંકવાદી હુમલા પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરનો અવાજ બનીને સામે આવ્યાં હતાં. આ ત્રણેય અધિકારીઓએ ગત દિવસોમાં સતત પ્રેસ બ્રીફિંગ કરી સૈન્યના પરાક્રમ ભરેલી કાર્યવાહીની જાણકારી દુનિયાને આપી હતી. પરંતુ જે આંચકાનજક રીતે યુદ્ધવિરામની જાહેરાત થઈ, તેમાં ઘણા લોકોમાં નારાજગી છે, જેના નિશાન પર હવે આ અધિકારી આવી ગયા છે.