
શનિવારે (24 મે) BCCI એ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, જેમાં શુભમન ગિલને કેપ્ટન અને રિષભ પંતને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ત્યારે ઘણા લોકોને પ્રશ્ન ત્યો હતો કે પંતને શા માટે વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજિત અગરકરે રિષભ પંતને વાઈસ-કેપ્ટન બનાવવાનું કારણ જણાવ્યું હતું.
રિષભ પંત 2020થી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. તેણે દેશ અને વિદેશમાં ઘણી મેચ બદલનારી ઈનિંગ્સ રમી છે. પંતની નિમણૂક વિશે વાત કરતા, અગરકરે તેના પ્રભાવશાળી રેકોર્ડ્સ વિશે વાત કરી અને કહ્યું કે વિકેટ પાછળથી રમત સમજવાની તેની ક્ષમતા અદ્ભુત છે.
અજિત અગરકરે શું કહ્યું?
અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "તે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક રહ્યો છે. તેને લગભગ 40 ટેસ્ટનો અનુભવ છે. વિકેટકીપર તરીકે, વિકેટ પાછળથી મેચનો તેનો દૃષ્ટિકોણ ઉત્તમ છે અને તેનો અનુભવ અમૂલ્ય છે."
અગરકરે આગળ કહ્યું, "આ જ કારણ છે કે તે હાલમાં શુભમનનો વાઈસ-કેપ્ટન છે. તે ગિલને તેના અનુભવથી મદદ કરશે. પંત એક મહાન ખેલાડી છે. અમે ચોક્કસપણે એવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે આગામી વર્ષોમાં ટીમને આગળ લઈ જઈ શકે."
પંતનું ટેસ્ટમાં પ્રદર્શન
રિષભ પંતે 43 ટેસ્ટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં તેણે 42.11ની એવરેજથી 2948 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, પંતે છ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. 27 વર્ષીય બેટ્સમેને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં સદી ફટકારી છે. તેણે 2021માં બ્રિસ્બેનમાં અણનમ 89 રનની યાદગાર ઈનિંગ રમી અને ટીમને મેચ જીતાડી હતી.