
ચાટ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે અને તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. બટાકા ચાટ, પાપડી ચાટ, દહી ભલ્લા ચાટ, શક્કરિયા ચાટ, ફ્રુટ ચાટ, સમોસા ચાટ ખૂબ પ્રખ્યાત છે. જો તમે આ બધી ચાટ ચાખી લીધી હોય અને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હો, તો રગડા ચાટ બનાવો અને ખાઓ. અહીં તમને સ્ટ્રીટ સ્ટાઇલ રગડા ચાટ કેવી રીતે બનાવવી તે જણાવશું...
રગડા ચાટની સામગ્રી
- બે કપ સફેદ વટાણા
- બે મધ્યમ કદના બટાકા
- બે ચમચી તેલ
- અડધી ચમચી જીરું
- બે બારીક સમારેલી ડુંગળી
- એક ચમચી આદુ-લસણની પેસ્ટ
- બે મોટા ટામેટાં બારીક સમારેલા
- એક ચમચી હળદર પાવડર
- એક ચમચી લાલ મરચું પાવડર
- અડધી ચમચી ગરમ મસાલો
- અડધી ચમચી ધાણા પાવડર
- અડધી ચમચી આમ ચૂર પાવડર
- અડધી ચમચી જીરું પાવડર
- અડધી ચમચી ચાટ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- તાજા કોથમીર અને લીંબુ
રગડા ચાટ કેવી રીતે બનાવવી
રગડા ચાટ બનાવવા માટે સૌપ્રથમ સફેદ વટાણાને 5-6 કલાક અથવા આખી રાત પલાળી રાખો. પછી પ્રેશર કુકરમાં પલાળેલા સફેદ વટાણા, સમારેલા બટાકા, હળદર, મીઠું અને પૂરતું પાણી ઉમેરી મધ્યમ તાપ પર 6-7 સીટી વાગે ત્યાં સુધી રાંધો. કૂકર ઠંડુ થયા પછી વટાણા ચેક કરો જો તે નરમ થઈ ગયા હોય તો તેને બાજુ પર રાખો, નહીં તો ફરીથી રાંધો.
પછી એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો અને તેને તતડવા દો. હવે તેમાં સમારેલી ડુંગળી નાખીને સાંતળો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને તેને સારી રીતે રાંધો. ડુંગળી, લસણ અને આદુ રાંધાઈ ગયા પછી સમારેલા ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, આમ ચૂર પાવડર, ગરમ મસાલો અને ચાટ મસાલો ઉમેરો. સારી રીતે ભેળવી દો.
હવે વટાણા અને બટાકાને મેશ કરો અને મસાલા સાથે મિક્સ કરો. હવે તેમાં પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. હવે મીઠું ચેક કરો, જરૂર પડે તો ઉમેરો. ગરમા ગરમ રગડાને એક બાઉલમાં સર્વ કરવા માટે મૂકો. પછી ઉપર સમારેલી ડુંગળી, ટામેટા અને કોથમીર ઉમેરો.