બર્મિંઘમના એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ ગિલ આર્મીને વધુ એક ગુડ ન્યૂઝ મળી છે. શુભમન ગિલે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહની વાપસીની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, બુમરાહ લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. પરંતુ બીજી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ભારતે બર્મિંઘમમાં 336 રનથી જીત હાંસલ કરી છે, જે રનના માર્જિનથી તેની અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી ટેસ્ટ જીત છે. જ્યાં સુધી બુમરાહનો સવાલ છે, તો તે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બીજી ટેસ્ટ નહતો રમ્યો, પરંતુ હવે ગિલે કહ્યું છે કે તે લોર્ડ્સ ટેસ્ટમાં વાપસી કરશે.

