
IPL 2025માં, આ રવિવારે ફક્ત એક જ મેચ રમાશે. ઘણા સમય પછી એવું થઈ રહ્યું છે કે રવિવાર હોવા છતાં એક જ મેચ રમાઈ રહી છે. આજે સનરાઈઝર્સ હૈદરાબાદ ગુજરાત ટાઈટન્સના પડકારનો સામનો કરશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે રવિવાર, 6 એપ્રિલના રોજ બે મેચ હતી, પરંતુ BCCIએ તાજેતરમાં તેમાં ફેરફાર કર્યો છે. આજની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમવાની હતી, પરંતુ હવે તે 8 એપ્રિલે રમાશે. લાંબા સમય પછી મિડ વિક ડબલ હેડર રમાશે.
KKR-LSG મેચ રી-શેડ્યૂલ કરાઈ
BCCI એ 28 માર્ચે એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે 6 એપ્રિલે યોજાનારી કોલકાતા અને લખનૌ વચ્ચેની મેચ રી-શેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો હતો. પશ્ચિમ બંગાળમાં રામ નવમીને ધ્યાનમાં રાખીને આ મેચનું શેડ્યૂલ બદલવામાં આવ્યું છે. BCCI એ જણાવ્યું હતું કે કોલકાતા પોલીસે 6 એપ્રિલે તહેવારોનો હવાલો આપીને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ને સુરક્ષા પૂરી પાડવા માટે ઇનકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIએ જણાવ્યું હતું કે કોલકાતા પ્રશાસને 6 એપ્રિલે યોજાનારી કોલકાતા અને લખનૌ વચ્ચેની મેચ 8 એપ્રિલે યોજવા માટે અરજી કરી હતી અને તેમની માંગ સ્વીકારવામાં આવી છે. કોલકાતાના ફેન્સ માટે રાહતની વાત એ છે કે BCCI એ વેન્યુ નથી બદલ્યું, ફક્ત તારીખ બદલી છે. અગાઉ તેણે ગુવાહાટીમાં યોજવાની પણ વાત થઈ હતી.
https://twitter.com/IPL/status/1905648879435182529
8 એપ્રિલે બે મેચ રમાશે
હવે રવિવાર, 6 એપ્રિલના રોજ ફક્ત એક જ મેચ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ સાંજે 7:30 વાગ્યે રમાશે. મંગળવાર, 8 એપ્રિલના રોજ બે મેચ રમાશે, જેમાં પહેલી મેચ કોલકાતામાં KKR અને LSG વચ્ચે બપોરે 3:30 વાગ્યે રમાશે. આ પછી, શેડ્યૂલ મુજબ, PBKS સાંજે 7:30 વાગ્યે CSK સામે ટકરાશે. બાકીની બધી મેચ શેડ્યૂલ મુજબ રમાશે.