
આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી IPL રમી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગુરુવારે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે મેચ રમી હતી. જ્યારે તે કોલકાતા પહોંચ્યો ત્યારે તેની પૂર્વ પત્ની હસીન જહાંએ તેના પર નિશાન સાધ્યું અને તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે શમી વિશે એક પોસ્ટ શેર કરી અને દાવો કર્યો કે ભારતીય બોલર તેની પુત્રીની યોગ્ય કાળજી નથી લઈ રહ્યો.
ગુરુવારે, હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોસ્ટ કરી અને લખ્યું, "શમી અહેમદ કોલકાતા આવે છે, પરંતુ ક્યારેય તેની પુત્રી આયરાને મળવાનો પ્રયાસ નથી કરતો. છેલ્લી વાર જ્યારે મોહમ્મદ શમી તેની પુત્રીને મળ્યો હતો, ત્યારે તેણે જસ્ટિસ તીર્થંકર ઘોષના ડરથી આવું કર્યું હતું."
તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, "શમીને ક્યારેય તેની દીકરી માટે કોઈ ચિંતા કે જવાબદારી નહતી અને અત્યારે પણ નથી. પણ સમાજ મને કહે છે કે હું ખોટી છું. શમી અહેમદે ક્યારેય પોતાની દીકરીને મળવાનો, તેને સારું શિક્ષણ આપવાનો કે તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ નથી કર્યો. કોઈપણ તહેવાર કે જન્મદિવસ પર બેબોને ગિફ્ટ કે કપડા નથી મોકલ્યા. એકવાર બેબોએ મેસેજ કર્યો કે પપ્પા, મારો જન્મદિવસ છે, મને ગિફ્ટ મોકલો તો સસ્તા કપડા મોકલ્યા. મેં તે કપડા રાખ્યા છે, હું તેમને કોર્ટમાં બતાવીશ. અબજોપતિ પિતાએ પોતાની પુત્રીને કેવા કપડા મોકલ્યા હતા."
તેણે આગળ લખ્યું, "થોડા વર્ષો પહેલા બકરી ઈદ ઉલ અઝહા પહેલા, બેબો વારંવાર શમી અહેમદને ફોન અને મેસેજ કરી રહી હતી કે પપ્પા હું તમારી સાથે વાત કરવા માંગુ છું. શમી અહેમદે ઘણા સમય પછી ફોન કર્યો. બેબોએ તેની સાથે વાત કરી અને ખૂબ ખુશ થઈ ગઈ. પછી જ્યારે તેણે બીજા દિવસે ફોન કર્યો, ત્યારે શમી અહેમદે બેબોને કહ્યું કે તે વ્યસ્ત હોવાથી તેને દરરોજ ફોન ન કરે. તે દિવસે બેબો ખૂબ રડી હતી."
શમી-હસીનના લગ્ન 2014માં થયા હતા
તમને જણાવી દઈએ કે શમી અને હસીનની મુલાકાત IPL દરમિયાન થઈ હતી, તેમણે 2014માં લગ્ન કર્યા હતા. જોકે, તેમનો સંબંધ ફક્ત ચાર વર્ષ જ ટક્યો હતો. બાદમાં હસીન જહાંએ શમી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી મામલો કોર્ટ સુધી પહોંચ્યો. ત્યારથી, બંને અલગ રહે છે.