
સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત
એપોકેલીપ્સ નાઉ
- ત્રણ-ત્રણ ઓસ્કર જીતનાર 'એપોકેલીપ્સ નાઉ' ફિલ્મના મેકિંગ દરમિયાન તેના ડિરેક્ટર ફ્રાન્સિસ ફોર્ડ કપોલા એવા ત્રાસી ગયા હતા કે...
પહેલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલા પછી ભારતની હવામાં 'યુદ્ધ' શબ્દ છંટાઈ ગયો છે ત્યારે આજે એક વોર ફિલ્મ વિશે વાત કરીએ. ફિલ્મનું ટાઇટલ છે 'એપોકેલીપ્સ નાઉ' (૧૯૭૯). સ્ટોરી કંઈક આવી છે. ૧૯૬૯નું વર્ષ. વિયેતનામનું યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચુક્યું છે. અમેરિકન આર્મીના કેપ્ટન વિલિયમ વિલાર્ડ (માર્ટિન શીન)ને એક ટોપ સિક્રેટ અસાઈન્મેન્ટ મળે છે. અમેરિકન આર્મીનો એક લડાયક કર્નલ છે - વોલ્ટર કર્ટ્ઝ (માર્લોન બ્રાન્ડો), જે લશ્કરથી અલગ પડી જઈને ભળતાં જ કામ કરી રહ્યો છે. ઉપરીઓના આદેશનું પાલન કરવાનું તો બાજુએ રહ્યું, એ તો સ્થાનિક આદિવાસીઓની ટોળકી એકઠી કરીને એમનો સરદાર થઈને બેઠો છે. સિક્રેટ મિશન એ છે કે નુંગ નામની નદીમાં થઈને કંબોડિયાના ગાઢ જંગલમાં ગુપચુપ પહોંચી જવાનું ને કર્નલ કર્ટ્ઝને ઉડાવી દેવાનો!
કર્ટ્ઝ સુધી પહોંચવાનું ખૂૂબ મુશ્કેલ છે. જંગલને ભયાનક ગણવું કે માયાવી એ જ સમજાતું નથી. રસ્તામાં કેટલીય લાશો દેખાય છે. ખેર, બે સાથીઓને લઈને નીકળેલા વિલાર્ડનો ભેટો આખરે કર્ટ્ઝ સાથે થાય છે ખરો. એ ખરેખર ભયાનક માણસ છે. વિલાર્ડને બંધક બનાવીને કર્ટ્ઝ સામે પેશ કરવામાં આવે છે. થોડા સમય બાદ વિલાર્ડને થોડી હેરફેર કરવાની છૂટ મળે છે. કર્ટ્ઝ એના પર ખૂબ લેકચર ઝાડે છે - યુદ્ધની ફિલોસોફી વિશે, માનવતા અને સમાજજીવનના વિકાસ વિશે. એક રાતે વિલાર્ડ ગુપચુપ કર્ટ્ઝની ચેમ્બરમાં ઘૂસી જઈને એના પર અટેક કરે છે. મરતાં પહેલાં કર્ટ્ઝ અંતિમ શબ્દો ઉચ્ચારે છે, 'ધ હોરર... ધ હોરર...'
વિલાર્ડ જુએ છે કે કર્ટ્ઝે ઘણી ડાયરીઓ લખી છે. એને પોતાની સાથે લઈને વિલાર્ડ નાસવાની કોશિશ કરે છે. ધમાચકડીને અંતે વિલાર્ડ અને એનો બીજો એક સાથી બોટમાં બેસીને રવાના થઈ જાય છે. વિલાર્ડના કાનમાં હજુય કર્ટ્ઝના અંતિમ શબ્દો 'ધ હોરર... ધ હોરર...' હવામાં પડઘાતા રહે છે.
એક્ટર મસ્ત ડિરેક્ટર ત્રસ્ત
કલ્પના કરો, જ્યોર્જ લુકાસ અને સ્ટીવન સ્પીલબર્ગ એક જમાનામાં ફ્રાન્સિસ ફોર્ડ કપોલાના આસિસ્ટન્ટ્સ હતા! મૂળ આયોજન પ્રમાણે 'સ્ટાર વોર્સ' ફેમ જ્યોર્જ લુકાસ 'એપોકેલીપ્સ નાઉ' ડિરેક્ટ કરવાના હતા, પણ દૈવયોગે ફિલ્મના ડિરેક્શનની લગામ કોપોલાના હાથમાં આવી. ફિલ્મમાં બ્રાન્ડોની એન્ટ્રી બહુ જ મોડી મોડી થાય છે, પણ તેના માટે જે માહોલ બિલ્ડ-અપ કરવામાં આવ્યો છે તે અફલાતૂન છે. બધું મળીને બ્રાન્ડો માંડ ૧૫ મિનિટ માટે જ સ્ક્રીન પર દેખાય છે. ફિલ્મ જોતી વખતે આપણને બરાબર સમજાય કે શા માટે આવા નાનકડા રોલ માટે માર્લોન બ્રાન્ડો જેવા મહાન એક્ટરની વરણી કરવામાં આવી છે.
જોકે માર્લોન બ્રાન્ડો સાથે કામ કરવાનો ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાનો અનુભવ જરાય સારો ન રહ્યો
બ્રાન્ડોનાં નખરાં શૂટિંગ શરૂ થયું તેની પહેલાં જ શરુ થઈ ગયા હતા. હું એડવાન્સ પેટે મળેલા વન મિલિયન ડોલર રાખી લઈશ ને ફિલ્મ નહીં કરું એવી ધમકી તેઓ ઉચ્ચાર્યા કરતા. કપોલાએ કંટાળીને એક વાર કહી દેવું પડયું કે તમતમારે પૈસા રાખી લો, તમારે બદલે હું જેક નિકલસન કે અલ પચીનોને સાઈન કરી લઈશ. ખેર, બ્રાન્ડો આખરે મોડા મોડા સેટ પર હાજર થયા ખરા. કપોલાએ માની લીધું હતું કે આવો ગ્રેટ એક્ટર જબરદસ્ત પૂર્વતૈયારી કરીને આવશે, પણ પહેલા જ દિવસે એમને ખબર પડી કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તે 'હાર્ટ ઓફ ડાર્કનેસ'નું નામ સુધ્ધાં બ્રાન્ડોએ સાંભળ્યું નહોતું! અધૂરામાં પૂરું, તેમણે પોતાના ડાયલોગ્ઝ પણ ગોખ્યા નહોતા. કપોલા બ્રાન્ડોના કિરદારને એકદમ સૂકલકડી દેખાડવા માગતા હતા, તેને બદલે બ્રાન્ડોએ વજન ભયંકર વધારી નાખ્યું હતું. કપોલાને ટેન્શનનો પાર ન રહ્યો. નછૂટકે કલોઝઅપ્સ વધારે લેવા પડયા. શૂટિંગ આગળ વધતું ગયું તેમ તેમ બ્રાન્ડોની હરકતોથી કપોલો એવા ત્રાસી ગયા હતા કે એમણે પોતાના આસિસ્ટન્ટ ડિરેક્ટર જેરી ઝિસ્મરને કહેવું પડયું કે ભાઈ, બ્રાન્ડોવાળાં સીન્સ હવેથી તું જ હેન્ડલ કરજે, મારાથી આ માણસ સાથે કામ નહીં થાય!
બ્રાન્ડોને ડાયલોગ્ઝ યાદ રહેતા નહોતા તે જાણીતી હકીકત છે. તેઓ શૂટિંગ દરમિયાન સંવાદોને ઈમ્પ્રોવાઈઝ કરતા. 'અપોકેલીપ્સ નાઉ'માં એક અઢાર મિનિટનો મોનોલોગ હતો, તે પણ તેમણે પોતાની રીતે ઈમ્પ્રોવાઈઝ કર્યો હતો. શોટ લેવાયા પછી બ્રાન્ડોએ કપોલાને કહેલું કે દોસ્ત, મેં મારું બેસ્ટ આ શોટમાં આપી દીધું છે. આનાથી વધારે હું કશું નહીં કરી શકું. તને જો અસંતોષ હોય તો મારી જગ્યાએ બીજા કોઈ એક્ટરને લઈ લે! કપોલા કશું ન બોલ્યા. શું બોલે? બ્રાન્ડો એટલી અદભૂત રીતે મોનોલોગ બોલ્યા હતા કે કપોલા અવાચક થઈ ગયા હતા. ફિલ્મના ફાઈનલ વર્ઝનમાં જોકે અઢાર મિનિટની તે એકોક્તિ કાપીકૂપીને બે જ મિનિટમાં સમેટી લેવામાં આવી તે અલગ વાત થઈ.
શૂટિંગ દરમિયાન ધાર્યાં નહોતાં એવાં વિઘ્નો આવ્યા
મૂળ આયોજન તો છ વીકમાં શૂટિંગ આટોપી લેવાનું હતું, પણ એ ટુકડાઓમાં ૧૬ અઠવાડિયા સુધી ખેંચાયું. કપોલા પાસે ૨૦૦ કલાકનું ફૂટેજ હતું. ફિલ્મના એડિટિંગમાં કપોલાએ અઢી વર્ષ લીધાં હોય તો એમાં સહેજેય નવાઈ પામવા જેવું ખરું? ફિલ્મ સખ્ખત ઓવર-બજેટ થઈ ગઈ હતી. કપોલાએ ફિલ્મ પૂરી કરવા પોતાનું ઘર સુદ્ધાં ગિરવે મૂકી દીધું હતું. આ આખી પ્રોસેસ દરમિયાન કપોલા એવા ત્રાસી ગયા હતા કે કેટલીય વાર 'મારે મરી જાવું છે.... મારે મરી જાવું છે...' એમ કર્યા કરતા.
ફિલ્મ આખરે રિલીઝ થઈ અને હિટ થઈ. શ્રોતાઓ અને વિવેચકો સૌ એના પર ઓવારી ગયા. ઓલ-ટાઈમ-ગ્રેટ ફિલ્મ્સની સૂચિમાં એ અધિકારથી ગોઠવાઈ ગઈ. ઘણા વિવેચકોના મતે આ ફિલ્મ અત્યાર સુધીની શ્રે ૧૦૦ નહીં, પણ શ્રે ૧૦ ફિલ્મોમાંની એક છે. સર્વપ્રથમ વખતે ૭૦ એમએમ ડોલ્બી સ્ટીરીઓ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમનો પ્રયોગ આ ફિલ્મમાં થયો હતો. લેફ્ટનન્ટ કર્નલ બિલના રોલમાં બેસ્ટ સપોટગ એક્ટરનો ઓસ્કર મેળવનાર રોબર્ટ ડુવોલ આખી ફિલ્મમાં ફક્ત ૧૧ મિનિટ દેખાય છે! ફિલ્મને બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર પણ જીતી લીધો. ફિલ્મમાં બ્રાન્ડોના કિરદાર કર્ટ્ઝને શોધવા માટે વિલાર્ડ અત્યંત કઠિન પ્રવાસ ખેડે છે જેમાં એને અકલ્પ્ય અનુભવો થાય છે. જેને મારવા માટે પોતે આવ્યો હતો એના જેવું જ વર્તન જાણે એ ખુદ કરવા લાગે છે. યુદ્ધ ક્યારેય કોઈનું ભલું કરી શકતું નથી. વિખ્યાત ફિલ્મ રિવ્યુઅર રોજર ઈબર્ટ કહે છે તેમ, 'એપોકેલીપ્સ નાઉ' આ કદરૂપાં સત્યો વિશેની ફિલ્મ છે.
મેઈન એક્ટર પોતાના ડિરેક્ટર સાથે બાખડયા કરતો હોય અને ડિરેક્ટર તમામ સ્તરે ત્રાહિમામ્ થયા હોય તો પણ કેટલું સુંદર પરિણામ લાવી શકે છે તે જાણવા માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ!