
Sensex today: નબળા વૈશ્વિક બજારો વચ્ચે, ભારતીય શેરબજાર સોમવારે (23 જૂન) અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં મોટા ઘટાડા સાથે બંધ થયું. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રવેશથી એશિયન બજારોમાં પણ સુસ્તી જોવા મળી અને તેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી. આ ઉપરાંત, ગયા અઠવાડિયે એક્સેન્ચરના પરિણામો પછી ઇન્ફોસિસની આગેવાની હેઠળના આઇટી શેરોમાં ઘટાડાએ પણ બજારને નીચે ખેંચી લીધું.
આજે 30 શેરોવાળા બીએસઇ સેન્સેક્સ 81,704.07ના મોટા ઘટાડા સાથે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 81,476 પોઈન્ટ પર સરકી ગયો. અંતે, તે 511.38 પોઈન્ટ અથવા ૦.62%ના ઘટાડા સાથે 81,896.79 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ 25 હજારથી નીચે ભારે ઘટાડા સાથે ખુલ્યો. ખુલતાની સાથે જ તે વધુ નીચે ગયો. ટ્રેડિંગ દરમિયાન, તે 24,824.85 પોઈન્ટના ઈન્ટ્રા-ડે નીચા સ્તરે ગયો. અંતે, તે 140.50 પોઈન્ટ અથવા 0.56% ઘટીને 24,971.90 પર સ્થિર થયો.
આ સમયગાળા દરમિયાન, બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ રૂ. 448 લાખ કરોડ હતું, જેનો શ્રેય મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં થયેલા વધારાને જાય છે. આ ઘટાડા છતાં, બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સે સારું પ્રદર્શન કર્યું. મિડકેપ ઇન્ડેક્સ 0.20 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.57 ટકા વધ્યો હતો.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ શેર લાલ નિશાનમાં બંધ થયા. તેમાં HCL ટેક, ઇન્ફોસિસ, લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર અને આઇટીસી સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયા.
બીજી તરફ, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફિનસર્વના શેરમાં ૩.૩૯ ટકાથી ૦.૫૮ ટકાનો વધારો થયો હતો. આ પછી, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 3.1 ટકા, હિન્ડાલ્કોમાં 1.89 ટકા, બજાજ ફાઇનાન્સમાં 1.17 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.97 ટકાનો વધારો જોવા મળ્યો.
સોમવારે શરૂઆતના વેપારમાં ઇન્ફોસિસ લિમિટેડ, ટીસીએસ લિમિટેડ, વિપ્રો લિમિટેડ જેવી ભારતીય આઇટી કંપનીઓના શેર 3% સુધી ઘટ્યા હતા. ગયા અઠવાડિયે શુક્રવારે જાહેર થયેલા એક્સેન્ચરના પરિણામોને કારણે આજે આઇટી શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિફ્ટીના ટોપ ગેનર્સની વાત કરવામાં આવે તો તેમાં સૌથી ટોચ પર ટ્રેન્ટનો શેર રહ્યો હતો અને તેના ભાવમાં 3.78 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 3.1 ટકા, હિન્ડાલ્કોમાં 1.89 ટકા, બજાજ ફાયનાન્સમાં 1.17 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.97 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટીના ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો સૌથી વધારે નુકસાન ઇન્ફોસિસને થયું હતું. તેના શેરમાં 2.4 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, લાર્સન એન્ડ ટુબ્રો 2.14 ટકા, HCL ટેક 2.11 ટકા, હીરો મોટોકોર્પ 1.97 ટકા અને મહિન્દ્રા & મહિન્દ્રા 1.56 ટકા ઘટ્યા.
સેક્ટોરલ ઈન્ડેક્સની સ્થિતિ
સેક્ટોરલ ઇન્ડેક્સમાં સૌથી વધારે નફો નિફ્ટી મીડિયાને થયો હતો. જેમાં ૪.૩૯ ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં ૨.૧૪ ટકા, નિફ્ટી કેપિટલ માર્કેટમાં ૧.૯૪ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૬૬ ટકા અને નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમમાં ૦.47 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી આઈટીમાં સૌથી વધુ ઘટાડો થયો, જે ૧.૪૮ ટકા ઘટ્યો. આ પછી, નિફ્ટી ઓટોમાં ૦.૯૨ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૭૪ ટકા, નિફ્ટી સર્વિસીસ સેક્ટરમાં ૦.૬૦ ટકાનો ઘટાડો થયો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
સોમવારે અમેરિકાએ ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યાનો દાવો કર્યા બાદ એશિયન બજારોમાં ઘટાડો થયો હતો. આનાથી મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષનો ભય વધ્યો અને તેલના ભાવમાં વધારો થયો.
બ્રેન્ટ ક્રૂડ 2.62 ટકા વધીને $79.06 પ્રતિ બેરલ થયું, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) 2.75 ટકા વધીને $75.89 પ્રતિ બેરલ થયું. આ ક્ષેત્રમાં વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે તાજેતરના અઠવાડિયામાં તેલના ભાવમાં વધારો થયો છે.
જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.74 ટકા ઘટ્યો અને વ્યાપક ટોપિક્સ ઇન્ડેક્સ 0.64 ટકા ઘટ્યો. કોસ્પી 1.22 ટકા ઘટ્યો અને ASX 200 0.76 ટકા ઘટ્યો.
એશિયન બજારોમાં શરૂઆતના ટ્રેડિંગ કલાકો દરમિયાન યુએસ સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ 0.3 ટકા ઘટ્યા હતા. જ્યારે S&P 500 અને Nasdaq 100 ફ્યુચર્સ અનુક્રમે 0.3 ટકા અને 0.4 ટકા ઘટ્યા હતા.
વિદેશી રોકાણકારોએ ખરીદી કરી
સંસ્થાકીય પ્રવૃત્તિના મોરચે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂપિયા 7,704.37 કરોડના શેર ખરીદ્યા. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) એ 20 જૂનના રોજ રૂપિયા 3,657.7 કરોડના શેર વેચ્યા.
ઈરાન હોર્મુજ જલમાર્ગ બંધ કરે તેવી શક્યતા
એવી ચિંતા છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી શકે છે. વૈશ્વિક તેલ અને ગૅસનો લગભગ 20 ટકા પ્રવાહ તેમાંથી પસાર થાય છે. આનાથી પુરવઠામાં વિક્ષેપ પડવાની શક્યતા વધી ગઈ છે. ગોલ્ડમેન સાકસે આ ચિંતાઓની વચ્ચે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર જોખમ હોવાની વાત કહી છે અને જણાવ્યું છે કે, આનાથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગૅસના ભાવમાં ભારે ઉછાળો આવશે.