
ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી ધરપકડ કરાયેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. ભારતમાં જાસૂસી માયાજાળ પાથરનારી પાકિસ્તાનમાં રહેતી એક મહિલાનું નામ સામે આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા આ મહિલાનું નામ મેડમ 'N' રાખવામાં આવ્યું છે. આ મહિલાને ભારત વિરુદ્ધ જાસૂસી નેટવર્ક સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનો આરોપ છે. આ મહિલા એક જાણીતી પાકિસ્તાની ઉદ્યોગપતિ 'નૌશાબા શહજાદ' છે.
સોશિયલ મીડિયાથી શરૂ થયું આ ષડયંત્ર
સૂત્રો અનુસાર નૌશાબા લાહોરમાં 'જયાના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ' નામની ટ્રાવેલ એજન્સી ચલાવે છે. સાથે સાથે ISIના ઈશારે ભારતમાં લગભગ 500 સ્લીપર એજન્ટોનું નેટવર્ક તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેની કંપનીએ ભારતીય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ટાર્ગેટ કર્યા. તેઓને યાત્રાધામ અને સાંસ્કૃતિક દર્શનના નામે પાકિસ્તાન આવવા આમંત્રણ આપતી હતી. પરંતુ તેની અસલી મુરાદ જાસૂસી માટે પ્લેટફોર્મ તૈયાર કરવાની હતી.
તપાસમાં જાણવા મળ્યું કે ISI એ મેડમ N ને ભારતમાં સ્લીપર સેલ નેટવર્ક તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી, જેમાં તે સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને જોડી રહી હતી. છેલ્લા 6 મહિનામાં તેણીએ 3,000 ભારતીયો અને 1,500 NRI ને પાકિસ્તાન બોલાવ્યા. ઘણાને ISI અધિકારીઓ અને પાકિસ્તાની સેના સાથે પરિચય કરાવ્યો. ખાસ કરીને હિન્દુ અને શીખ સમુદાયના યુવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ફક્ત એક જ ફોન પર વિઝા!
'મેડમ એન'ની પહોંચ એટલી મજબૂત હતી કે તે ફક્ત એક જ ફોન કોલથી પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા વિભાગમાં કોઈપણ વ્યક્તિને વિઝા અપાવી શકતી હતી. તે પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત ISI એજન્ટ દાનિશ ઉર્ફે એહસાન-ઉર-રહેમાનના સંપર્કમાં હતી, જેને મે મહિનામાં ભારતે હાંકી કાઢ્યો હતો.
યાત્રાની આડમાં ફંન્ડિગ
'મેડમ એન'ની કંપની પાકિસ્તાન સરકારના 'રેફ્યુજી ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ' સાથે મળીને શીખ અને હિન્દુ યાત્રાઓનું આયોજન કરે છે. પરંતુ પડદા પાછળ તે આ યાત્રાઓ દ્વારા ઘણા પૈસા કમાતી હતી અને તેનો ઉપયોગ ISIના પ્રચાર અને કામગીરી માટે કરતી હતી. આ ખુલાસા પછી ભારતીય ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ છે. સોશિયલ મીડિયા દ્વારા જાસૂસી હવે માત્ર એક સ્ક્રિપ્ટ રહી નથી, તે એક ખતરનાક વાસ્તવિકતા બની ચૂકી છે.