
શેખર અને શિલ્પા પતિ પત્ની (બંને નામ કાલ્પનિક છે)છે. શેખર અને શિલ્પા બંને પ્રતિષ્ઠિત બિઝનેસ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર છે. આ યુગલને ૧૨ વર્ષનો દીકરો મોહિત છે. નાના પરિવારમાં આમ તો બધો આધુનિક વૈભવ અને સુવિધા છે. નથી તો પ્રેમ, આનંદ, સંતોષ, સમજણ નામનું સુખ.
ફોડ પાડીને કહીએ તો શેખર અને શિલ્પા વચ્ચે અવારનવાર નાની નાની બાબતોમાં વાદ -વિવાદ, સંઘર્ષ થતા રહે છે. ક્યારેક તો બંને દીકરા મોહિત સાથે ભોજન કરતાં કરતાં પણ એટલાં ઉગ્ર બની જાય કે અધવચ્ચે જ ભોજનનો ત્યાગ કરીને ઉભાં થઇ જાય.
પતિ પત્ની વચ્ચે દિવસો સુધી અબોલા રહે. ન માની શકાય તેવી પરિસ્થિતિ તો ત્યારે સર્જાય કે પતિ શેખરને કે પત્ની શિલ્પાને એકબીજાંને કોઇ જરૂરી સંદેશો આપવો હોય તો દીકરા મોહિતનો સહારો લે.
જેની ઉંમર અને સમજણ હજી માંડ માંડ ઉગી રહી છે તે કુમળી વયનો પુત્ર મોહિત બિચારો મમ્મી -પાપાને આમ નાહક ઝઘડતાં અને કજિયો કરતાં જોઇને સ્તબ્ધ થઇ ગયો. પોતાના રૂમમાં જઇને એકલો એકલો રડયો. મોડી રાત સુધી જાગતો રહ્યો. મોહિતના કુમળા માનસમાં જાણે કે વિચારોનું સુનામી ફૂંકાયું હોય તેમ તે વિચારતો રહે કે મારાં પોતાનાં સગાં માબાપ કયાં કારણસર એકબીજાં સાથે આટલો બધો કજિયો કરે છે? એકબીજાંને કેમ નફરત કરે છે? મારાં મમ્મી પાપા મને કેમ પ્રેમ નથી કરતાં? હું તો તેમનો એકનું એક સંતાન છું. મારાં માતાપિતાને એકબીજાં સાથે ન ફાવતું હોય તો હું ક્યાં જાઉં? અને મારા મનની મુંઝવણ કોને કહું?
કિશોર વયના મોહિતની મુંઝવણ અને ફરિયાદ બંને સાવ સાચાં છે. પોતાના પેરેન્ટ્સ વચ્ચેના સતત સંઘર્ષની ઘેરી અસર મોહિતના કુમળા માનસ પર થઇ છે. વળી, મોહિતને બીજો નથી ભાઇ કે નથી બહેન, કે જેથી તેઓ ઘરના પ્રદૂષિત વાતાવરણ વિશે એકબીજાને કહી શકે. મમ્મી-ડેડીને સમજાવવાનો પ્રયાસ કરીને પરિવારમાં આનંદ મંગળનો માહોલ સર્જી શકે.
આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હસબન્ડ-વાઇફ વચ્ચેના કજિયા-કંકાસનો ગ્રાફ વધુ ને વધુ ઉંચો જઇ રહ્યો છે. પતિ-પત્નીના છૂટાછેડાના કેસની સંખ્યા સતત વધી રહી છે. પતિ પત્ની બંને યુવાન,શિક્ષિત, બિઝનેસ કંપનીમાં, બેંકમાં, સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં બંને વચ્ચે ઘેરો અણબનાવ વધી રહ્યો છે. સુવિધાજનક ઘર, પૈસે ટકે ઘણાં સુખી, સંતાન સુખ છે. ચિંતાજનક બાબત તો એ છે કે પતિ પત્નીના આવા અણબનાવના કે સંઘર્ષના કિસ્સાનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં સતત વધી રહ્યું છે.
માતાપિતાના વિવાદ -કજિયાની અસર બાળ માનસ પર કેવી થાય? વાણી-વર્તનમાં કેવું પરિવર્તન થાય?
વિયેતનામના બૌદ્ધ ભિક્ષુક અને જાણીતા લેખક તિક ન્યાત હન્હ તેના પુસ્તક 'ફિડિલીટી : હાઉ ટુ ક્રિએટ લવિંગ રિલેશનશીપ ધેટ લાસ્ટ' માં લખે છે, માતાપિતા વચ્ચેના મતભેદ, અણબનાવ, અપમાનજનક ટીકા-ટીપ્પણી, શારીરિક હુમલો વગેરે વાતાવરણની ઘેરી અસર બાળકનાં માનસ પર થાય છે.
બાળકની સમજણશક્તિ અને સહનશક્તિ બહુ કુમળી અને ઉગતી હોવાથી માતાપિતા વચ્ચેના આવા સંઘર્ષને સહન ન કરી શકે. બાળક પોતાને એકલું અને અસુરક્ષિત અનુભવે. પોતાની મુંઝવણ કોઇને કહી શકે કે પોતાના વિચાર સ્પષ્ટપણે રજૂ ન કરી શકે. દીકરા-દીકરીને રાતે ડરામણાં સપનાં આવે. ઉંઘમાં કંઇક ન સમજાય તેવું બોલે. ક્યારેક તો બાળક હીબકાભરીને રડવા પણ લાગે. પોતાના મિત્રો કે બહેનપણી સાથે રમવા ન જાય. તેની આંખોમાં ભય દેખાય. સમગ્ર રીતે કહીએ તો પાંચ-સાત વર્ષનાં અથવા તો ૧૨ -૧૫ વર્ષના પુત્ર-પુત્રી હતાશાનો ભોગ બની શકે. બાળક માટે આવી પરિસ્થિતિ ખરેખર બહુ જ ચિંતાજનક અને લાગણીસભર બની રહે.
નિષ્ણાત મનોવિજ્ઞાાનીઓ તેમના બહોળા સંશોધન અને અનુભવના આધારે કહે છે, ઘરમાં માતા પિતાને એકબીજાં સાથે લડતાં-ઝઘડતાં જોઇને બાળક બહુ ગભરાઇ જાય. ડરી જાય. કેટલાક કિસ્સામાં તો મમ્મી સાચી છે કે ડેડી, તેનો ખરો નિર્ણય પણ પેલું નિર્દોષ બાળક ન લઇ શકે. ઉપરાંત, ક્યારેક તો મમ્મી કહે, બોલ બેટા, તારે મમ્મી જોઇએ છે કે ડેડી ? તો વળી, કોઇક વખત પાપા પણ એવો અણગમતો સવાલ કરે, બેટા કહે, તારે કોની સાથે રહેવું છે? મારી સાથે કે મમ્મી સાથે?
આવા અતિ સંવેદનશીલ સંજોગોમાં પેલું સાવ જ ગભરુ બાળક બિચારું આટલો મોટો કે મહત્વનો નિર્ણય ભલા કઇ રીતે કરી શકે ? બાળ મનોવિજ્ઞાાનની ભાષામાં તો આ પ્રકારના સંજોગો બાળક માટે માનસિક અત્યાચાર જ ગણાય. સૌથી ચિંતાજનક બાબત તો એ બને કે માતાપિતા વચ્ચેના ઉગ્ર મતભેદના જે પડઘા બાળકના અંતરમનમાં પડયા હોય તે મોટી ઉંમર સુધી પણ રહેવાની શક્યતા ખરી. ઘણાં સંતાનોનાં જીવન વેરવિખેર થઇ ગયાં હોવાનાં, ખોટાં-ખરાબ કામ કરતાં હોવાનાં, શરાબ કે જુગાર જેવી કુપ્રવૃત્તિ કરતાં હોવાનાં, ભણતર પૂરું નહીં કરી શક્યાં હોવાનાં, જીવનભર લગ્ન નહીં કર્યાં હોવાનાં, આત્મહત્યા કરી હોવાનાં ઉદાહરણ છે. બાળક માટે ક્ષોભજનક બાબત એ બને કે તેના ઘરમાં મમ્મી--ડેડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે તે વિશે તેના મિત્રો કે પડોશી પૂછે તો તે શું જવાબ આપે ? કદાચ પણ કહે તો પેલા મિત્રો કે પડોશી તેની મશ્કરી કરશે તો? વગેરે જેવા અણિયાળા સવાલ પણ બાળકના અંતરમનમાં ઘુમરાતા હોય છે. અમુક મનોવિજ્ઞાની એમ પણ કહે છે કે સંતાનની ઉંમર ૧૫ થી ૧૮ વર્ષની હોય તો તે તેનાં માતા પિતાના સંબંધના ઘર્ષણ વિશે થોડુંક તટસ્થપણે વિચારી શકે એટલો તેનો માનસિક વિકાસ થયો હોય છે. આવાં સંતાનો તક મળે તો તેનાં માતાપિતાને સમજાવવાનો પ્રયાસ કરે છે. અથવા તો મમ્મી--ડેડી તેમના મતભેદ કે વિવાદ તેમની રીતે ઉકલશે. બંને ભણેલાં અને પુખ્ત વયનાં હોવાથી પરિવાર માટે અને લગ્ન જીવન માટે સારું શું અને ખરાબ શું તેનો નિર્ણય લઇ શકે છે એવો નિર્ણય પણ લઇ શકે છે.
અમુક કિસ્સામાં તો પતિ-પત્ની લગ્નનાં ફક્ત પાંચ-સાત વર્ષમાં જ એકબીજાંથી જુદાં થઇ જાય છે. એમ કહો કે છૂટાછેડા લઇ લે છે. આવા અત્યંત લાગણીસભર સંજોગોમાં બાળકની ઉંમર કદાચ પણ થોડીક નાની હોય તો કોર્ટ તેની કસ્ટડી(બાળકનો ઉછેર) તેની માતાને સાપી શકે છે. કેટલાક કિસ્સામાં તો માતા પિતા બંને છૂટાછેડા બાદ પણ સારાં દોસ્ત રહીને બાળકની પૂરતી કાળજી રાખે છે. સંતાનના અભ્યાસથી લઇને તેની તમામ જરૂરિયાતોનું પૂરતું ધ્યાન રાખે છે. હિન્દી ફિલ્મ જગતના હેન્ડસમ અને મજેદાર અભિનેતા રિતિક રોશન અને સુઝેન ખાન બે દીકરાના જન્મ બાદ કોઇક રહસ્યમય કારણોસર અલગ થઈ ગયા છે. આમ છતાં રિતિક અને સુઝેન બંને તેમના પુત્રો સાથે વેકેશન પસાર કરવા પણ જાય છે.
ગમે તે કહો પણ બાળક માટે તો તેનાં માતા પિતા જ અનંત અંતરિક્ષ હોય છે. જે માતાની હૂંફાળી ગોદમાં તે ભરપૂર રમ્યું હોય અને પિતાના લાડકોડનું વહાલ માણ્યું હોય તે મમ્મી--ડેડી વચ્ચે આમ અચાનક અબોલા થઇ જાય અને પતિ પત્નીના પવિત્ર સંબંધની માન-મર્યાદા પણ ન રાખે ત્યારે દીકરાના કે દીકરીના ચહેરા પરની રોનક અને રંગત બંને અદ્રશ્ય થઇ જાય. સંતાનને પોતાનું જીવતર એકલું અટુલું લાગે એટલું ચોક્કસ.
- જગદીશચંદ્ર ભટ્ટ