
'ઈન્ડિયન આઈડલ 12' ના વિજેતા સિંગર પવનદીપ રાજનની તબિયત ધીમે ધીમે સુધરી રહી છે. આજે તેની ટીમે સોશિયલ મીડિયા પર બે ખાસ તસવીરો શેર કરી છે, જે હોસ્પિટલની છે. આ તસવીરોમાં, પવન અને તેના માતા છે, બંનેના ચહેરા પર એક સુંદર સ્મિત દેખાય છે, જે પવનના સારા સ્વાસ્થ્યનો સંકેત આપે છે. પવનના ફેન્સ આ પોસ્ટથી ખુશ છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
પવનની ટીમે કે તેના પરિવારના કોઈ સભ્યએ આજે ઇન્સ્ટાગ્રામ પર પવનની બે તસવીરો શેર કરી છે. આ બંને તસવીરોમાં માતા અને પુત્ર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. એક ફોટામાં, પવનની માતાએ ફોટો ક્લિક કરાવતા વખતે તેને ગળે લગાવ્યો છે. બીજા ફોટામાં, પવનના માતા તેના કપાળ પર ચુંબન કરતા જોવા મળે છે. આ બંને તસવીરો ખુશી, પ્રેમ અને લાગણી દર્શાવે છે. ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને પવનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પવનની પોસ્ટ પર સેલિબ્રિટીઝ અને ફેન્સની પ્રતિક્રિયા
સિંગર વૈશાલીએ લખ્યું, "ગેટ વેલ સૂન રોકસ્ટાર", અભિનેતા અનુપ સોનીએ રેડ હાર્ટ ઈમોજી કમેન્ટ કર્યું છે. જ્યારે એક ફેને લખ્યું, "ભાઈ જલ્દી સ્વસ્થ થાઓ", બીજા ફેને લખ્યું, "પવન દા... હંમેશા આમ જ હસતા રહો", અન્ય એકે લખ્યું, "ખરાબ સમયમાં માતા જ સાથ આપે છે."
અકસ્માત કેવી રીતે થયો?
પવન 5 મેના રોજ વહેલી સવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. તે એક કાર્યક્રમ માટે અમદાવાદની ફ્લાઈટ લેવા દિલ્હી જઈ રહ્યો હતો. રસ્તામાં તેનો અકસ્માત થયો, જેના પછી તેને ગંભીર ઈજાઓ થઈ. સિંગરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની 6 સર્જરી કરવામાં આવી. આ પછી, તેની વધુ 3 સર્જરી કરવામાં આવી, જે લગભગ 8 કલાક સુધી ચાલી. આ પછી પવનદીપને ICUમાં ખસેડવામાં આવ્યો. હવે તેની હાલતમાં ઘણો સુધારો થયો છે.