
Fraud Gang: અગણિત વેપારીઓ હવે ઓનલાઈન પેમેન્ટ માટે સાઉન્ડ બોક્સ વાપરતાં થયાં છે. અમદાવાદ સહિત ગુજરાતના હજારો વેપારીઓ, લારીવાળાને પે-ટીએમ (Paytm) સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી અને નવી સ્કીમ ચાલુ કરવા માટે એક રૂપિયો ટ્રાન્સફર કરવાના બહાને છેતરી બેન્ક ખાતાં ખાલી કરી નંખાયા હતા. મુળ રાજસ્થાન અને પાટણના રહીશ અને અમદાવાદમાં રહીને છેતરપિંડી કરતા 6 શખ્સને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. અમદાવાદના વાસણા સહિત રાજ્યના અનેક વેપારીના પૈસા સેરવી લેનાર ટોળકીનો સૂત્રધાર પે-ટીએમનો જુનો કર્મચારી છે.
આરોપીએ કેવી રીતે પૈસા ઓનલાઈન સેરવી લેતા?
પે-ટીએમ સાઉન્ડ બોક્સના નામે રાજ્યના વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર અમદાવાદની ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે. આ ટોળકીનો સૂત્રધાર કડીના મોકાસણ ગામનો અને હાલ રાણીપના સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતો 30 વર્ષીય બ્રિજેશ પટેલ અગાઉ પેટીએમમાં કામ કરી ચૂક્યો છે. બ્રિજેશે અન્ય સાગરિતો રાજસ્થાનના વતની અને શાહપુરમાં રહેતા ગોવિંદ લાલચંદ ખટીક, જુના વાડજના રહીશ પરાગ ઉર્ફે રવી મિસ્ત્રી, ડીલક્ષ ઉર્ફે ડબુ સુથાર, પ્રિતમ સુથાર ઉપરાંત વિસનગરમાં રહેતા રાજ પટેલને પકડી પાડ્યા છે.
સૂત્રધાર બ્રિજેશ પટેલે ધોરણ 10 પછી આઈટીઆઈમાં અભ્યાસ કર્યો હતો. પે-ટીએમમાં સેલ્સ માર્કેટિંગનું કામ કરતો હતો. આ દરમિયાન કેટલાક ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરી પૈસા મેળવ્યાનું ખુલતાં કંપનીમાંથી કાઢી મુકાયો હતો. વર્ષ 2022થી પે-ટીએમ કંપનીના અન્ય કર્મચારી સાથે મળી ગેંગ બનાવીને શરૂઆતમાં અમદાવાદ પછી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓને ટાર્ગેટ કર્યા હતા.
પે-ટીએમના સાઉન્ડ બોક્સ ધરાવતા વેપારી, દુકાનદારોને મહિને 99 રૂપિયા ભાડાને બદલે સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું જણાવતા હતા. માત્ર એક રૂપિયો ટ્રાન્સફર કરવાનો છે તેમ કહી વેપારીના મોબાઈલ ફોનમાંથી પેમેન્ટ કરાવતા હતા. બાદમાં, દુકાનદારના જ મોબાઈલ ફોનમાંથી પે-ટીએમ રિકવેસ્ટ માટેનો ઈ-મેઈલ કરવાનો છે તેમ કહી સાગરિત પાસેથી ક્યુઆર કોડ મેળવી વેપારીના મોબાઈલ ફોનથી જ નાણાં સેરવી લેતા હતા. આ દરમિયાન આવતાં ઓટીપી અને ટ્રાન્ઝેક્શનના મેસેજ ડીલીટ પણ કરી દેતા હતા. આ પ્રકારે અમદાવાદ સહિત ગુજરાતના 500થી વધુ વેપારીઓના બેન્ક ખાતાંઓમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરે છે.
બ્રિજેશ અને તેની ટોળકી વર્ષ 2022થી પે-ટીએમ કંપનીના અન્ય ત્રણ કર્મચારીઓ સાથે સક્રિય હતી. અમદાવાદ સહિત ગુજરાતમાં વેપારીઓ પાસે જઈને પેટીએમ સાઉન્ડ બોક્સ ધરાવતા દુકાનદારને ફ્રી સાઉન્ડ બોક્સ કરવાનું કહી પે-ટીએમ સ્કેનરમાં એક રૂપિયો સ્કેન કરવાનું કહેતા હતા. વેપારી એક રૂપિયા ટ્રાન્સફર કરે ત્યારે પાસવર્ડ જોઈ લેતા હતા. આ પછી કંપનીમાં ઈ-મેઈલ કરવો પડશે તેમ કહીને વેપારીનો મોબાઈલ ફોન લઈને યુપીઆઈ આઈડી ખુલ્લું હોય તેમાં બેલેન્સ જોઈ લેતાં હતાં.
બીજી તરફ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા તૈયાર સાગરિત પાસેથી ક્યુઆર કોડ મેળવીને પૈસા ટ્રાન્સફર કરી લેતાં હતાં. આ પૈસા ગેમિંગ એપ્લિકેશનમાં મોકલી દેવાતાં હતાં. થોડી ગેમ રમી બાકી પૈસા ડમી એકાઉન્ટમાં મોકલી દઈ ઉપાડી લેવામાં આવતાં હતા. ડમી બેન્ક એકાઉન્ટ ધારકને 30 ટકા રકમ આપતાં અને 70 ટકા રકમ રાખતી ટોળકી વેપારીઓને કરોડોનો ચૂનો ચોપડી ચૂકી છે. આ સમયે ડેબીટ કાર્ડ લેવા માટે વેપારી તૈયાર થઈ જાય તો ઠગાઈનો બીજો રાઉન્ડ થતો હતો. ડેબીટ કાર્ડ આવી જાય તો ફરી વેપારી પાસે જઈને ડેબીટ કાર્ડના પૈસા પણ આ પ્રકારે જ ટ્રાન્સફર કરી લેવામાં આવતાં હતાં.
2022થી કૌભાંડ ચલાવતા પે-ટીએમના ત્રણ જુના કર્મચારી સહિત છ આરોપી કોની શું ભુમિકા?
બ્રિજેશ પટેલઃ સૂત્રધાર, આઈટીઆઈમાં ભણ્યો છે. પે-ટીએમનો જુનો કર્મચારી વર્ષ 2022થી આ કૌભાંડ ચલાવે છે.
ગોવિંદ ખટીકઃ બી. કોમ સ્ટુડન્ટ, 2023થી ગેંગમાં આવ્યો ત્યારે પોતાના બેન્ક એકાઉન્ટમાં પૈસા મેળવતો. વર્ષ 2024થી વેપારીઓ પાસે જઈ પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી.
પરાગ મિસ્ત્રીઃ માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સ, આરબીઆઈ બેન્કમા સોફ્ટવેર એન્જિનિયર અને 2024થી ગેંગ માટે બેન્ક એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરે છે.
રાજ પટેલઃ આઈટીઆઈ પછી લેથ મશીનના પ્રોગ્રામિંગ, 2024થી બ્રિજેશ સાથે દુકાનદાર પાસે જઈ વોચ રાખતો.
ડીલક્ષ ઉર્ફે ડબુ સુથારઃ જુનો પે-ટીએમ કર્મચારી અને ક્રિકેટર, ઓનલાઈન ગેમિંગ સાઈટમાં રજીસ્ટ્રેશન કરી તે એકાઉન્ટમાં ઠગાઈના નાણાં મેળવતો હતો.
પ્રિતમ સુથારઃ જુનો પે-ટીએમ કર્મચારી, 2022થી બ્રિજેશ સાથે મળી રાજસ્થાનની વ્યક્તિઓના નામે બેન્ક ખાતાં અને નકલી સીમકાર્ડ મેળવતો, રાજસ્થાનમાં ત્રણ વર્ષમાં હત્યા, મારામારીના 10થી વધુ ગુના.
ગુજરાતના 20 શહેરમાં વેપારીઓ પાસેથી દસ હજારથી છ લાખ સુધીની રકમની છેતરપિંડી
આરોપીઓએ વર્ષ 2022થી અત્યાર સુધીમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, કડી, કલોલ, ઊંઝા, મહેસાણા, બારેજા, બારેજડી, સુરેન્દ્રનગર, લીમડી, વગોદરા, પાલનપુર, ચાંગોદર, વાવોલ, અડાલજ સહિતના 20થી વધુ શહેરી, ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાં વેપારીઓ પાસેથી પે-ટીએમ સાઉન્ડ બોક્સના નામે 10 હજારથી માંડી 6 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી છે.
અગાઉ પકડાયેલા ત્રણ આરોપી
મોહસીન યાકુબભાઈ પટેલ (ઝમઝમ પાર્ક, તાંદલજા રોડ વડોદરા)
સદ્દામ મોહમદ હનીફ પઠાણ (નઈમ કોમ્પલેક્સ, ફતેપુરા, વડોદરા)
સલમાન નસરતઅલી શેખ (ધર્મેશનગર, આજવા ચોકડી, વડોદરા)