
અમદાવાદ શહેરમાં પ્રેરક શાહની ભાજપે શહેર અધ્યક્ષ પદે નિમણુક કરતા અનેક કાર્યકર્તાઓના મોતિયા મરી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આજે તેમણે પદભાર તો સંભાળ્યો પરંતુ ચર્ચા એક જ હતી કે અમદાવાદ શહેરની વિધાનસભાની 16 સીટ શું આ પ્રેરક શાહ ભાજપને જીતાડી શકશે ?
આજે પ્રેરક શાહએ શહેર ભાજપના પ્રમુખ પદે પદભાર સંભાળ્યો હતો. જે સમયે શહેરના સિનિયર જુનિયર ધારાસભ્ય સાંસદ કાર્યકર્તાઓ હોદ્દેદારો મળવા માટે પહોંચ્યા હતા .ભીડ તો ભારે દેખાતી હતી પરંતુ ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો હતો અને ભાજપે જાણે કે આ નિર્ણય કરી ભૂલ કરી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
આજે પ્રેરક શાહને શુભેચ્છા માટે લોકો પહોંચી રહ્યા હતા ત્યારે ભાજપમાં જ નેતાઓ અંતર જાળવી રહ્યા હતા અને કાર્યકર્તાઓ ભારે ચર્ચા કરી રહ્યા હતા. ખાનપુર ભાજપ કાર્યાલયે જ ચર્ચા ચાલતી હતી કે પ્રેરક શાહની નિમણૂક તો ભાજપે કરી દીધી પરંતુ કેવી રીતે તે શહેર સંગઠનનો બેડો પાર લાવશે ? કારણ કે પ્રેરક શાહને સંગઠન લક્ષી કામગીરીનો યોગ્ય અનુભવ નથી સાથે જ અમદાવાદ એ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને અહી 16 વિધાનસભા સીટ આવેલી છે.એવામાં 2 સીટ ભાજપ પાસે નથી.સાથે જ પૂર્વ વિસ્તારમાં હવે પહેલા જેવું વાતાવરણ રહ્યું નથી તો આગામી સમયમાં મહાનગરપાલિકા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપનો બેડો કેવી રીતે પાર પાડી શકશે ?
ગત ચૂંટણી દરમિયાન 192 પૈકી 162 સીટ ભાજપે જીતી હતી. અમદાવાદ શહેરની સાબરમતી,ઘાટલોડિયા, નારણપુરા,એલીસબ્રીજ જ્યાં તો ભાજપને તકલીફ ઊભી નહીં થાય પરંતુ વેજલપુર,બાપુનગર, અમરાઈવાડી, મણિનગર, દાણીલીમડા, જમાલપુર સહિતના આ વિસ્તારોમાં ભાજપ કોર્પોરેશન કેવી રીતે જીતી શકશે ?
કેટલાક ભાજપના સિનિયર નેતાઓ એવી પણ ચર્ચા કરી રહ્યા હતા કે શહેર સંગઠન ચલાવવું રમત વાત નથી. શહેરમાં અનેક જગ્યા પર આંતરિક ખેંચતાણ ચાલી રહી છે તો ભાજપ કેવી રીતે તેને મેનેજ કરશે ? શું સિનિયર નેતાઓને આદેશ આપશે તો તે માન્ય રાખશે ? ગઈકાલે જીતુ વાઘાણીએ નામ જાહેર કર્યું એ અગાઉ 4 વખત એ વાત કહેવી પડી હતી કે પાર્ટી જે નામ આપે તેને સૌ કાર્યકર્તાઓ વધાવી લે. વાઘાણીની આ વાતનું આંકલન પણ એ રીતે થઈ રહ્યું છે કે વાઘાણી પ્રમુખ રહી ચૂક્યા છે અને તેને અમદાવાદની તાસિરનો ખ્યાલ છે એવામાં સંગઠનના બિનઅનુભવીની નિમણૂક એ ભાજપની આંતરિક ખેંચતાણ માટે મુસીબત ઊભી કરી શકે ત્યારે જોવાનું રહેશે કે સંગઠન લક્ષી નૈયા પ્રેરક શાહની રીતે ચાલે છે કે પછી ઉજ્જડ વન અને એરંડો પ્રધાનની જેમ ચાલે છે.