
ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મહિનાઓથી ટ્રેડ ડીલ પર વાતચીત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તેને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. કરાર પહેલા, વિપક્ષી પક્ષો આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ તેના પર સવાલ ઉઠાવ્યા છે.
રાકેશ ટિકૈતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ
રાકેશ ટિકૈતે કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર પરસ્પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી જેમાં ભારત પણ સામેલ છે. આ ડીલને ટાળવામાં આવી પરંતુ હવે તેની જાહેરાતનો સમય 9 જુલાઇએ ખતમ થઇ રહ્યો છે. હવે ટ્રમ્પ ફરી નવી જાહેરાત કરી શકે છે. ટિકૈતે કહ્યું કે, બન્ને દેશોમાં થઇ રહેલી સમજૂતિ વાર્તા અંતિમ તબક્કામાં છે પરંતુ હું ઇચ્છું છું કે આ સમજૂતિમાં કૃષિ અને ડેરી ક્ષેત્રને બહાર રાખવામાં આવે.
ખેડૂત પોતાના ખેતરમાં જ મજૂર બની જશે- રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચેની સમજૂતિથી કૃષિ અને ડેરી ક્ષેત્રને બહાર રાખવામાં આવે કારણ કે આ ગ્રામીણ ભારત પર સીધો પ્રહાર હશે, તેના લાગુ થયા પહેલાથી ખેતી નુકસાનમાં ચાલી રહી છે અને દેશનો ખેડૂત પોતાના ખેતરમાં જ મજૂર બની જશે."
ટેરિફ પહેલાં આવશે ઉકેલ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની 90 દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં આઠ જુલાઈના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે. અમેરિકાએ ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં નવ જુલાઈ સુધી મુક્તિ આપવામાં આવી છે. જો કે, ભારત પર 10 ટકાનો બેઝલાઈન ટેરિફ તો લાગુ જ છે. ભારત આ ટેરિફમાંથી મુક્તિ મેળવવા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે અમેરિકા સાથે વેપાર કરાર કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
આ ક્ષેત્રે લેવાશે મોટો નિર્ણય
અમેરિકા અને ભારત વચ્ચે મુખ્યત્વે કૃષિ, ઓટોમોબાઈલ, ઔદ્યોગિક ઉત્પાદનો અને શ્રમજીવી પ્રોડક્ટ્સ સહિતના ક્ષેત્રો પર ડીલ થશે. અમેરિકાને કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સમાં ડ્યૂટીમાં રાહત આપવાથી ભારત માટે પડકારો ઉભા થયા છે. ભારતે મુક્ત વેપાર કરારમાં ડેરી ક્ષેત્રે અત્યારસુધી કોઈ કરાર કર્યા નથી. જેથી આ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય અમેરિકા ઔદ્યોગિક ઉત્પાદનો, ઓટોમોબાઈલ્સ ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો, વાઈન, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ, ડેરી, અને કૃષિ પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની ઈચ્છા ધરાવે છે. જ્યારે ભારતે ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર ગુડ્સ, કપડાં, પ્લાસ્ટિક, કેમિકલ્સ, તેલિબિયાં સહિતની પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની માગ કરી છે.