
ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભાગ લેવા માટે 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ પહેલા રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) એ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેતાં ભારતીય ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. બંને ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા ભારતીય ટીમ નવી સ્કવોડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2025-2027ની સાયકલમાં પ્રવેશ કરી શકે છે.
એવા અહેવાલો છે કે શુભમન ગિલ, જે હાલમાં વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે, તેને ભારતીય ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. રોહિત અને કોહલી પછી, ભારત પાસે જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જેવા પસંદગીના સિનિયર સભ્યો બાકી રહેશે.
મોહમ્મદ શમીને તેની ફિટનેસના આધારે ટીમમાં તક મળી શકે છે. તો ચાલો જાણીએ કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર કયા ખેલાડીઓને પોતાની સાથે લઈ જઈ શકે છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની સંભવિત ટીમ
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, રિષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા અને આકાશદીપ.
આ ખેલાડીઓનું સ્થાન કન્ફર્મ
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનરની જવાબદારી સંભાળશે. બંનેને પહેલા પણ એકસાથે ઈનિંગ ઓપન કરવાનો અનુભવ છે. આ ઉપરાંત, કેએલ રાહુલ અને રિષભ પંતનું પણ ટીમમાં સ્થાન નિશ્ચિત છે.
સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા છે પરંતુ તેમને સાઈ સુદર્શન અને કરુણ નાયર દ્વારા પડકાર મળી શકે છે, જેમણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડમાં એકમાત્ર સ્પિનર તરીકે રમી શકે છે. તેને અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર તરફથી સ્પર્ધા મળી શકે છે.
જોકે, ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને નીતિશ કુમાર રેડ્ડી પર રહેશે. અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર અને અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સ્થાન મળશે કે નહીં તે જોવું પણ રસપ્રદ રહેશે.
રોહિત-કોહલી શાનદાર ફોર્મમાં
રોહિત શર્મા વિરાટ કોહલીની નિવૃત્તિએ ભારતીય ક્રિકેટને ચોંકાવી દીધું છે, પરંતુ બંને બેટ્સમેનોએ IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શરૂઆતની કેટલીક મેચોમાં ફ્લોપ રહ્યો, પરંતુ પછી તેણે પોતાની લય પાછી મેળવી અને એક પછી એક શાનદાર ઈનિંગ્સ રમી. તે જ સમયે, કોહલીને ઓરેન્જ કેપ યાદીમાં સામેલ છે, જેનાથી ખ્યાલ આવે છે કે તે કેવા ફોર્મમાં છે.