IPL 2025માં ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં યજમાન મુંબઈ ઈન્ડિયન્સનો 12 રને પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા RCB એ 5 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 209 રન જ બનાવી શક્યું હતું. આ રીતે, તિલક વર્માની ઝડપી અડધી સદી અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર ઈનિંગ વ્યર્થ ગઈ. આ સાથે RCB ટીમ 10 વર્ષ પછી વાનખેડે ખાતે મુંબઈને હરાવવામાં સફળ રહી. આ પહેલા RCB એ 2015માં મુંબઈ સામે જીત મેળવી હતી.

