Home / India : Woman Sarpanch borrows Rs 20 lakh by pledging Gram Panchayat

મહિલા સરપંચે જ ચૂંટણી લડવા ગ્રામપંચાયત ગિરવે મુકી, 20 લાખ ઉધાર લીધા

મહિલા સરપંચે જ ચૂંટણી લડવા ગ્રામપંચાયત ગિરવે મુકી, 20 લાખ ઉધાર લીધા

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલા સરપંચે ગ્રામ પંચાયતને જ 20 લાખ રૂપિયામાં ગિરવે મૂકી દીધી. આ માટે મહિલા સરપંચ અને પંચ વચ્ચે લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા વહીવટીતંત્રને આ બાબતની જાણ થઈ, ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરીને સરપંચ અને પંચને બરતરફ કરી દેવામાં આવ્યા. મધ્યપ્રદેશ પંચાયત રાજ અને ગ્રામ સ્વરાજ અધિનિયમ 1993ની કલમ 40 હેઠળ બંનેને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ બંને ભાજપના છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરપંચે ચૂંટણી લડવા 20 લાખ રૂપિયા ઉધાર લીધા હતા

કરોદ ગ્રામ પંચાયત મહિલાઓ માટે અનામત છે. અહીં ચૂંટણી પછી તરત જ દબંગોએ કબજો કરી લીધો હતો. શંકરસિંહ ગૌરના પત્ની સરપંચ લક્ષ્મીબાઈએ ચૂંટણી લડવા માટે ગામના હેમરાજસિંહ ધાકડ પાસેથી 20 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ રકમની ગેરંટી પંચ રણવીર સિંહ કુશવાહાએ લીધી હતી. કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી જીત્યા બાદ પંચાયતમાં થનારા વિકાસ કાર્યોનું 5% કમિશન સરપંચ લક્ષ્મીબાઈને મળશે. વિકાસ કાર્યોની જવાબદારી માટે પંચ રણવીર સિંહ કુશવાહાને સરપંચ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 20 લાખનો ચેક ગેરંટી તરીકે હેમરાજસિંહ ધાકડ પાસે રાખવામાં આવ્યો હતો. એગ્રીમેન્ટ પ્રમાણે હેમરાજ સિંહનું દેવું પંચાયતમાં સરકારી ધનથી થતા કામથી ચૂકવવામાં આવશે.

100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તૈયાર કરાયેલા આ એગ્રીમેન્ટ પર સરપંચ લક્ષ્મીબાઈ, તેમના પતિ શંકર સિંહ, પંચ રણવીર સિંહ કુશવાહા અને રવિન્દ્ર સિંહે સહી કરી હતી. આ એગ્રીમેન્ટ 28 નવેમ્બર 2022ના રોજ થયો હતો.

ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી

20 લાખ રૂપિયાની લોન લીધા બાદ પંચાયતને ત્રીજા વ્યક્તિ પાસે ગિરવે મૂકી દેવામાં આવી. સરપંચની ચેકબુક, પંચાયતની સીલ અને અન્ય દસ્તાવેજો પણ શાહુકાર હેમરાજ સિંહ ધાકડ પાસે ગિરવે મૂકવામાં આવ્યા હતા. આ મામલાએ સરકારી પદ અને પૈસાના દુરુપયોગની સાથે-સાથે મહિલા સશક્તિકરણની પણ પોલ ખોલી દીધી. આ ઘટના એ દર્શાવે છે કે કેવી રીતે આદિવાસી અને મહિલા સરપંચોના હોદ્દા પર દબંગો અને પ્રભાવશાળી લોકો હાવી છે. કરોદ ગ્રામ પંચાયત ગુના વિધાનસભા મતવિસ્તારમાં આવે છે, જ્યાં ભાજપના પન્નાલાલ શાક્ય ધારાસભ્ય છે અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાંસદ છે.

આવો જ વધુ એક મામલો

આ જ પ્રકારનો વધુ એક મામલો ચાચૌડાના રામનગર પંચાયતમાં પણ સામે આવ્યો હતો. અહીં, આદિવાસી મહિલા સરપંચ મુન્નીબાઈ સહરિયાએ ગામના દબંગ રામસેવક મીણા પાસેથી લોન લઈને ચૂંટણી લડી હતી. ચૂંટણી જીત્યા બાદ બંને વચ્ચે એક કરાર થયો કે રામસેવક મીણા પંચાયત પર નિયંત્રણ રાખશે, અને બદલામાં તેઓ મુન્નીબાઈને દર વર્ષે 1 લાખ રૂપિયા આપશે.    

FIR દાખલ

ગુનાના કલેક્ટર કિશોર કુમાર કન્યાલે જણાવ્યું કે, 'આ બંને જ કેસ ખૂબ જ ગંભીર છે. તપાસ બાદ બંને મહિલા સરપંચોને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. લોન આપીને વસૂલી કરનારા સામે FIR નોંધવામાં આવી છે. જિલ્લામાં આવા અન્ય કેસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.'

Related News

Icon