
ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે પાણીની માંગ સતત વધી રહી છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના જયાશયોની સ્થિતિ સારી છે. લોકોને પૂરતું પાણી મળી રહેશે.
ઉનાળાનું રાજ્યમાં સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે ત્યારે લોકો અને પ્રાણીઓની પાણીની માંગમાં વધારો થયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા તમામ ડેમમાં પાણીની સ્થિતિ સારી હોવાથી ઉનાળામાં કોઈપણ પ્રકારની તકલીફ નહિ પડે તેવું જાણવા મળ્યું છે.
આ વર્ષે સૌરાષ્ટ્રમાં પાણીનો પોકાર નહિ પડે
સૌરાષ્ટ્ર આવેલા કુલ 141 જેટલા નાના-મોટા જળશયોની કેપેસિટીના 50 ટકા પાણીનો જથ્થો છે.સૌરાષ્ટ્રનો ભાદર-1એ 57 ટકા ભરેલો છે તો ભાદર-2 ડેમ 87 ટકા ભરાયેલ છે. આ ઉપરાંત રાજકોટની જીવાદોરી સમાન બંને ડેમ આજી-1 અને આજી-૨માં 94 અને 87 ટકા પાણીનો જથ્થો છે. આ સિવાય ન્યારી-1 અને ન્યારી-2 પણ 91 અને 80 ટકા પાણીથી ભરેલો છે. આ જળાશયોમાં કેટલા ટકા પાણી છે તેના પર સતત મોનીટરિંગ કરવામાં આવે છે અને જરૂર પડ્યે સૌની યોજના મારફતે પાણી મંગાવવામાં આવે છે. આમ ડેમમાં પાણી પૂરતું હોવાથી આ વર્ષે પાણીનો પોકાર પડશે નહિ તેવો વહીવટી તંત્રનો દાવો છે.