શનિવારે સાંજે પુરી બીચ પર સ્પીડબોટની સવારી દરમિયાન અકસ્માત થયો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્ની અર્પિતા પુરી દરિયામાં વોટર સ્પોર્ટ્સનો આનંદ માણતા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાં બંનેનો આબાદ બચાવ થયો હતો. એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.
આ ઘટના શનિવારે સાંજે લાઇટહાઉસ પાસે બની હતી જ્યારે દંપતી સ્પીડબોટની સવારીનો આનંદ માણી રહ્યા હતા. અર્પિતાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે ભગવાનની કૃપાથી અમે બચી ગયા. હું હજુ પણ આઘાતમાં છું. આવું ન થવું જોઈએ અને દરિયામાં જળ રમતોનું યોગ્ય રીતે નિયમન થવું જોઈએ.
તેણે વીડિયો સંદેશમાં વધુમાં કહ્યું કે કોલકાતા પરત ફર્યા પછી, હું પુરીના એસપી અને ઓડિશાના મુખ્યમંત્રીને પત્ર લખીશ.
આ ઘટનાનું વર્ણન કરતાં, તેણે કહ્યું કે એક વિશાળ મોજું તેમની બોટ સાથે અથડાયું જેના કારણે બોટ પલટી ગઈ અને તે અને તેના પતિ સહિત બધા મુસાફરો દરિયામાં પડી ગયા.
તેણે કહ્યું કે સદનસીબે લાઇફગાર્ડની ઝડપી કાર્યવાહીથી અમારા જીવ બચી ગયા. ઘટના જોનારા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સ્પીડબોટ એક વિશાળ મોજા સાથે અથડાયા બાદ તેનું સંતુલન ગુમાવી દીધું હતું અને ઊંડા સમુદ્રમાં પલટી ગઈ હતી.