
લોર્ડ્સમાં છેલ્લો દિવસ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ટેસ્ટ હશે કારણ કે જો શુભમન ગિલની સેના પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે પોતાની બીજી ઈનિંગમાં 135 રન બનાવે છે, તો તેઓ આ સિરીઝમાં ઈંગ્લેન્ડથી ઘણા આગળ હશે. જોકે આ મેદાનમાં સૌથી રન ચેઝ 344 રન સુધીનો છે, પરંતુ આ છેલ્લા દિવસે આવું કરવું એટલું સરળ નહીં રહે કારણ કે પાંચમા દિવસે પિચ વધુ ખરાબ હશે.
ચોથા દિવસે જ, બોલરોને પહેલા ત્રણ દિવસની તુલનામાં નર્સરી એન્ડથી અસમાન ઉછાળો મળી રહ્યો હતો, જેના કારણે રવિવારે 14 વિકેટ પડી હતી. ઈંગ્લેન્ડને 1-1થી બરાબર સિરીઝમાં લીડ મેળવવા માટે ફક્ત છ વિકેટની જરૂર છે, પરંતુ જો પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર કેએલ રાહુલ (અણનમ 33) બીજી ઈનિંગમાં પણ મોટો સ્કોર કરે છે, તો રમત બદલાઈ જશે.
ચોક્કસ, આ મેચ એવી જગ્યા છે જ્યાં એ કહેવું સરળ નથી કે કોણ જીતશે, પરંતુ એ જરૂર કહી શકાય છે કે લોર્ડ્સ ટેસ્ટનો છેલ્લો દિવસ રોમાંચક હશે. જો ભારત અહીંથી જીતશે, તો એક એવો કેપ્ટન ઉભરશે જે વર્ષો સુધી આ ટીમનું નેતૃત્વ કરશે. રાહુલની સાથે, રિષભ પંત પાસે ફરી એકવાર પોતાને હીરો સાબિત કરવાની તક છે. જોકે, બેન સ્ટોક્સ અને તેની ટીમ દરેક પગલે તેમને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. કોઈપણ ટીમ જીતે, પરંતુ આ ટેસ્ટ યાદગાર બનવાની છે.
ભારતીય બોલરોનો કમાલ
મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને નીતિશ રેડ્ડીએ ચોથા દિવસના પહેલા સેશનમાં ચાર વિકેટ લઈને ઈંગ્લેન્ડની ટીમનો પરસેવો પાડી દીધો. બીજા સેશનમાં, સ્પિનર વોશિંગ્ટન સુંદરે ફોર્મમાં રહેલા જો રૂટ અને જેમી સ્મિથને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને રાહત અપાવી.
જસપ્રીત બુમરાહનું નસીબ તેને સાથ નહતું આપતું, નહીં તો ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 192 રનને બદલે થોડી વહેલી પૂરી થઈ ગઈ હોત. બોલરોને નર્સરી એન્ડથી વધુ મદદ મળી રહી હતી. સિરાજે પહેલા સેશનમાં સાત ઓવરના પોતાના સ્પેલમાં માત્ર 11 રન આપીને બે વિકેટ લીધી હતી.
બીજા એન્ડથી, બુમરાહે ઈંગ્લીશ ઓપનર ઝેક ક્રોલીને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યો. વિરોધી બેટ્સમેનો સાથે દલીલોમાં નિષ્ણાત સિરાજ, પવેલિયન એન્ડ પરથી ઓપનર બેન ડકેટને આઉટ કર્યા પછી ઉત્સાહિત થઈ ગયો હતો. ડકેટ અને તેના ખભા પણ ટકરાયા. તેણે સ્ટમ્પ્સને નિશાન બનાવવા માટે પોતાની લાઈન અને લેન્થમાં થોડો ફેરફાર કર્યો અને ઓલી પોપના રૂપમાં બીજી વિકેટ મેળવી. જોકે, ભારતને આ માટે રિવ્યુનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે બુમરાહની જગ્યાએ નીતિશ રેડ્ડીને બોલિંગ પર મૂક્યો અને પ્રથમ ઈનિંગમાં બે વિકેટ લેનારા આ ઓલરાઉન્ડરે મેચમાં બીજી વખત ક્રોલીને આઉટ કર્યો. રેડ્ડીએ ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરી અને ક્રોલીએ ડ્રાઈવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યશસ્વી જયસ્વાલ ગલીમાં કેચ કરવામાં સફળ રહ્યો.
હેરી બ્રુકે આક્રમક અભિગમ અપનાવ્યો અને આકાશદીપના બોલ પર બે રેમ્પ શોટ ફટકાર્યા અને પછી મિડ-ઓફ પર સિક્સ ફટકારી. આકાશ સ્ટમ્પ પર બોલિંગ કરતો રહ્યો અને તેનો ફાયદો તેને મળ્યો જ્યારે બ્રુક સ્વીપ ચૂકી ગયો અને તેની મિડલ સ્ટમ્પ ઉખડી ગઈ.
પહેલા સેશનમાં ઈંગ્લેન્ડે 87 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં રૂટ અને સ્ટોક્સે પાંચમી વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી હતી. સવારે કમનસીબ રહેલા બુમરાહએ સાંજ સુધીમાં બે વિકેટ લીધી હતી.
વોશિંગ્ટનની ચાર વિકેટ
જ્યારે કુલદીપ યાદવને બહાર બેસાડીને વોશિંગ્ટન સુંદરને આ ટેસ્ટ મેચમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ આ સ્પિનરે જો રૂટ, બેન સ્ટોક્સ, જેમી સ્મિથ અને શોએબ બશીરના રૂપમાં ચાર વિકેટ લીધી હતી. તેણે ચારેય બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. ઈંગ્લેન્ડે છેલ્લી ચાર વિકેટ ફક્ત 11 રનમાં ગુમાવી દીધી.