
વિમ્બલ્ડન 2025માં મેન્સ સિંગલ્સની ફાઈનલ 13 જુલાઈના રોજ રમાઈ હતી. ફાઈનલ મેચમાં સ્પેનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ અને ઇટાલિયન ખેલાડી યાનિક સિનર આમને-સામને હતા. આ મેચમાં યાનિક સિનરે કાર્લોસ અલ્કારાઝને 4-6, 6-4, 6-4, 6-4થી હરાવ્યો. સિનરના કરિયરનું આ પહેલું વિમ્બલ્ડન ટાઈટલ છે. સિનર વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની ફાઈનલ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો. કાર્લોસ અલ્કારાઝને પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે, અલ્કારાઝનો 24 મેચનો જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો છે.
પહેલો સેટ ગુમાવ્યા બાદ સિનરે શાનદાર વાપસી કરી
ફાઈનલ મેચની વાત કરીએ તો, શરૂઆતમાં અલ્કારાઝે પહેલો સેટ 6-4થી જીતીને મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ ત્યારબાદ સિનરે શાનદાર વાપસી કરી અને બાકીના ત્રણ સેટમાં શાનદાર રમત બતાવીને અલ્કારાઝને પાછળ છોડી દીધો. યાનિક સિનરે સતત ત્રણ ગેમ જીતીને ટાઈટલ જીત્યું. આ તેની કારકિર્દીનો ચોથો ગ્રાન્ડ સ્લેમ છે.
સિનરે ફ્રેન્ચ ઓપનનો બદલો લીધો
23 વર્ષીય સિનર 1968 પછી સેન્ટર કોર્ટ પર ટ્રોફી ઉપાડનાર 23મો ખેલાડી બન્યો છે. અગાઉ ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં, અલ્કારાઝે 5 કલાક અને 29 મિનિટ સુધી ચાલેલી મેચમાં સિનર સામે શાનદાર જીત મેળવી હતી. તે ફાઈનલમાં, તે છેલ્લા સેટમાં જીત્યો હતો, પરંતુ તે વિમ્બલ્ડનની ફાઈનલ મેચમાં આમ કરવામાં નિષ્ફળ ગયો હતો.
સિનર અને અલ્કારાઝે સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું
તમને જણાવી દઈએ કે શુક્રવારે રમાયેલી પહેલી સેમીફાઈનલમાં, કાર્લોસ અલ્કારાઝે ટેલર ફ્રિટ્ઝને 6-4, 5-7, 6-3, 7-6 (6) થી હરાવીને સતત ત્રીજી વખત વિમ્બલ્ડનની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે સિનરે નોવાક જોકોવિચને 6-3, 6-3, 6-4થી હરાવીને પ્રથમ વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. અલ્કારાઝ પાસે તેના કારકિર્દીનો છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાની તક હતી, પરંતુ તે ફાઈનલમાં સિનર સામે હારી ગયો.