
બુધવારે IPL 2025માં એક રોમાંચક મેચ જોવા મળી જેમાં યજમાન દિલ્હી કેપિટલ્સ (DC) એ સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવ્યું હતું. આ મેચમાં DCના બોલિંગ કોચ મુનાફ પટેલ (Munaf Patel) એ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે. અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરવા બદલ મુનાફ (Munaf Patel) ને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. તેની મેચ ફીના 25 ટકા રકમ કાપી લેવામાં આવી છે. આ સાથે, તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.
આ મેચને લઈને તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાઉન્ડ્રી પાસે ફોર્થ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળે છે. તેને જોઈને એવું લાગે છે કે તે અમ્પાયરે કહેલી કોઈ વાતથી ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની ટીમના એક ખેલાડી દ્વારા મેદાનમાં મેસેજ મોકલવા માંગતો હતો, પરંતુ અમ્પાયરે તેને તેમ કરવાની પરવાનગી ન આપી. આ પછી અમ્પાયર સાથે તેનો ઝઘડો થયો.
મુનાફે પોતાની ભૂલ સ્વીકારી
મુનાફ પટેલ (Munaf Patel) કલમ 2.20 હેઠળ લેવલ 1ના ગુનાનો સ્વીકાર કર્યો છે, જેના કારણે સુનાવણીની જરૂરિયાત દૂર થઈ ગઈ છે. BCCIએ મુનાફ પટેલ (Munaf Patel) અંગે પોતાના નિવેદનમાં કહ્યું, 'મુનાફ પટેલે લેવલ 1 ગુનો સ્વીકાર્યો છે અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો પણ સ્વીકાર કર્યો છે.'
સ્ટાર્કે દિલ્હીને જીત અપાવી
આ રોમાંચક મેચમાં, એક સમયે રાજસ્થાન (RR) જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ પછી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક રાજસ્થાન અને જીત વચ્ચે આવી ગયો. સ્ટાર્કની ગતિને કારણે જ રાજસ્થાનના બેટ્સમેનો છેલ્લી ઓવરમાં નવ રન પણ ન બનાવી શક્ય. મેચ ટાઈ થયા પછી, તેણે સુપર ઓવરમાં પણ પોતાની તાકાત બતાવી અને રિયાન પરાગ અને શિમરોન હેટમાયરને ફક્ત 11 રન જ બનાવવા દીધા. દિલ્હી (Delhi Capitals) ના બેટ્સમેનોએ સુપર ઓવરમાં 12 રનનો ટાર્ગેટ માત્ર ચાર બોલમાં ચેઝ કરી લીધો અને સિઝનની પાંચમી જીત મેળવી.