
દિલ્હી કેપિટલ્સ (DC) સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે રોમાંચક જીત મેળવીને સિઝનની પોતાની પાંચમી જીત નોંધાવી છે. RR એ સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સ ટીમને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 4 બોલમાં ચેઝ કરી લીધો હતો. આ મેચની વાત કરીએ તો, DC એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા, જેને ચેઝકરતી વખતે રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 188 રન જ બનાવી શક્યું હતું.
મેચ સુપર ઓવરમાં ગયા પછી, RR એ ફક્ત 5 બોલ રમ્યા જેમાં 11 રન બનાવ્યા બાદ રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલના રૂપમાં ટીમે બંને વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ DC એ કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની જોડીને ટાર્ગેટ ચેઝ કરવા મોકલ્યા જેમાં બંનેએ ફક્ત 4 બોલમાં ટીમને જીત અપાવી. તમને જણાવી દઈએ કે આ IPL 2025ની પહેલી સુપર ઓવર હતી.
જયસ્વાલ અને નીતિશ રાણાની ઈનિંગ્સ વ્યર્થ ગઈ
દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં 189 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી RR ને તેના કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીથી શાનદાર શરૂઆત મળી હતી, જેમાં બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ જોવા મળી હતી, જેમાં સંજુ સેમસન બેટિંગ કરતી વખતે થોડો દુખાવો અનુભવતો હતો અને તેના કારણે તે રિટાયર્ડ હર્ટ થઈને પવેલિયન પાછો ફર્યો હતો. યશસ્વી જયસ્વાલે અહીંથી રન બનાવવાની જવાબદારી લીધી પરંતુ આ દરમિયાન રાજસ્થાનને પહેલો ઝટકો રિયાન પરાગના રૂપમાં લાગ્યો જે 8 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, યશસ્વી જયસ્વાલે પોતાની અડધી સદી પૂર્ણ કરી પરંતુ 51 રન બનાવીને આઉટ થઈ ગયો. જયસ્વાલ પવેલિયન પરત ફર્યો પછી, નીતિશ રાણાએ રાજસ્થાનની ઈનિંગની કમાન સંભાળી હતી.
આ મેચમાં નીતિશ રાણાએ 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે ધ્રુવ જુરેલ 26 રન બનાવીને રન આઉટ થયો હતો. RRને તેની ઈનિંગની છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી પરંતુ મિચેલ સ્ટાર્ક (Mitchell Starc) ની શાનદાર બોલિંગને કારણે તેઓ ફક્ત 8 રન જ બનાવી શક્યા જેના કારણે મેચ સુપર ઓવરમાં ગઈ અને બાદમાં DC એ મેચ જીતી લીધી. DC તરફથી મિચેલ સ્ટાર્ક (Mitchell Starc) એ 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી અને સુપર ઓવરમાં ફક્ત 11 રન આપ્યા હતા. આ ઉપરાંત દિલ્હી તરફથી અક્ષર પટેલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
દિલ્હી માટે અભિષેક પોરેલે 49 રનની ઈનિંગ રમી હતી
જો આ મેચમાં DCની ઈનિંગની વાત કરીએ તો અભિષેક પોરેલે 49 રન બનાવ્યા હતા, આ ઉપરાંત અક્ષર પટેલે 14 બોલમાં 34 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલે 38 અને સ્ટબ્સે પણ 34 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી જ્યારે મહેશ થીક્ષાના અને વાનિન્દુ હસરંગાએ 1-1 વિકેટ લીધી હતી.