
કેએલ રાહુલની શાનદાર ઇનિંગને કારણે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025ની 40મી મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતાં. તેના જવાબમાં દિલ્હીની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. દિલ્હી તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 53 રન બનાવ્યા. કેએલએ 40 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ પછી તેણે સિક્સર મારીને દિલ્હીને શાનદાર વિજય અપાવ્યો. કેએલ 57 રન બનાવીને અણનમ પાછો ફર્યો. આ દરમિયાન ઓપનર અભિષેક પોરેલે 51 રનની ઇનિંગ રમી. કેપ્ટન અક્ષર પટેલે 20 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતાં.
લખનૌને હરાવીને દિલ્હીએ આ સિઝનમાં છઠ્ઠી જીત નોંધાવી છે અને તેના ખાતામાં 12 પોઈન્ટ ઉમેર્યા છે. દિલ્હી કેપિટલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને મજબૂતીથી યથાવત છે. આ સિઝનમાં લખનૌને દિલ્હી સામે બીજી હારનો સામનો કરવો પડ્યો છે. અગાઉની મેચમાં દિલ્હીએ લખનૌને 1 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.
લખનૌના બેટ્સમેનોએ નિરાશ કર્યા
અગાઉ ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ યજમાન લખનૌએ એડન માર્કરામની અડધી સદી અને મિશેલ માર્શના 45 રનની મદદથી 6 વિકેટે માત્ર 159 રન જ બનાવી શક્યું હતું. મિશેલ માર્શ અને માર્કરામે પ્રથમ વિકેટ માટે 60 બોલમાં 87 રન ઉમેર્યા. શરૂઆતના બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા બાદ લખનૌનો કોઈ પણ બેટ્સમેન સતત રમી શક્યો નહીં.
એડન માર્કરામે ૩૩ બોલની ઇનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા, જ્યારે માર્શે 36 બોલમાં એક છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. છેલ્લી ઓવરમાં આયુષ બદોનીએ 21 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા અને ટીમનો સ્કોર 160ની નજીક પહોંચાડ્યો. દિલ્હીના ઝડપી બોલર મુકેશ કુમારે લખનૌના બેટ્સમેનોને કાબુમાં રાખવાનું કામ કર્યું. તેણે ચાર ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ લીધી.