
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL આજથી બરાબર 18 વર્ષ પહેલા 2008માં શરૂ થઈ હતી. પહેલી મેચ 18 એપ્રિલ 2008ના રોજ રમાઈ હતી, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે હતી. પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં RCB ખરાબ રીતે હારી ગયું હતું. આજે અમે તમને તે ખેલાડીઓ વિશે જણાવીશું જે IPL 2008થી દરેક સિઝન રમ્યા છે. આવા ફક્ત 4 જ ખેલાડીઓ છે જે IPLની દરેક સિઝનમાં ઓછામાં ઓછી એક મેચ રમ્યા હોય.
આ બાબતમાં વિરાટ એકમાત્ર ખેલાડી
IPLના ઈતિહાસમાં ફક્ત ચાર ખેલાડીઓ એવા છે જેણે દરેક સિઝનમાં ઓછામાં ઓછી એક મેચ રમી છે. તેમાં વિરાટ કોહલી (Virat Kohli ) ટોપ પર છે. વિરાટ કોહલી IPLમાં એકમાત્ર એવો ક્રિકેટર છે જે છેલ્લા 17 વર્ષથી અને 2025માં પણ એક જ ટીમ માટે રમી રહ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) 2008માં પણ RCBનો ભાગ હતો અને 2025માં પણ તે RCB માટે IPL રમી રહ્યો છે.
હિટમેનનું રાજ ચાલુ છે
રોહિત શર્મા (Rohit Sharma) IPLની દરેક સિઝનમાં રમનાર બીજો ખેલાડી છે. હિટમેન વિશે વાત કરીએ તો, તે 2 ટીમો માટે IPL રમી ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા (Rohit Sharma) , MI પહેલા ડેક્કન ચાર્જર્સ માટે ત્રણ સિઝન રમી ચૂક્યો છે.
માહીનો જાદુ હજુ પણ ચાલુ છે
આ યાદીમાં ત્રીજું નામ એમએસ ધોની (MS Dhoni) નું છે. ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત, તે રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે પણ બે સિઝન રમી ચૂક્યો છે, કારણ કે તે સમયે ચેન્નાઈ પર બે વર્ષનો પ્રતિબંધ હતો. ધોની (MS Dhoni) એ પણ અત્યાર સુધી CSKને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે.
મનીષ પાંડે પણ આ યાદીમાં સામેલ
વિરાટ, રોહિત અને ધોનીની યાદીમાં મનીષ પાંડે (Manish Pandey) નું નામ પણ સામેલ છે. તેણે અત્યાર સુધી IPLની દરેક સિઝનમાં ઓછામાં ઓછી એક મેચ રમી છે. મનીષ (Manish Pandey) IPLમાં કુલ 7 ટીમ માટે રમી ચૂક્યો છે. આમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પુણે વોરિયર્સ ઈન્ડિયા, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો સમાવેશ થાય છે.