
ઈન્ડિયન પ્રીમિયર લીગ આજે તેનો 18મો જન્મદિવસ ઉજવી રહી છે. IPLની શરૂઆત આજના દિવસે એટલે કે 18 એપ્રિલ 2008ના રોજ થઈ હતી. જ્યારે ટૂર્નામેન્ટ 8 ટીમો સાથે શરૂ થઈ હતી, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે તે 18 સિઝન સુધી ચાલશે.
IPL 2008ની પહેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થયો હતો. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ કોલકાતાએ 140 રનથી જીતી હતી. IPLના 18મા જન્મદિવસ પર, ચાલો જાણીએ કે પહેલા રન અને પહેલી વિકેટ સહિત બધું ક્યારે થયું હતું.
પહેલો રન
IPLનો પહેલો બોલ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે ફેંક્યો હતો. આ બોલનો સામનો સૌરવ ગાંગુલીએ કર્યો હતો. IPLનો પહેલો રન લેગ બાયથી આવ્યો હતો. પ્રવીણનો બોલ સૌરવના પેડ પર વાગ્યો અને તેણે બ્રેન્ડન મેક્કુલમના કોલ પર એક રન લઈ લીધો. આવી સ્થિતિમાં, IPLનો પહેલો રન બેટથી નહતો આવ્યો પરંતુ તે લેગ બાયનો રન હતો. IPLની પહેલી ઓવરમાં ફક્ત 3 રન બન્યા હતા.
પહેલો ચોગ્ગો અને છગ્ગો
IPLનો પહેલો ચોગ્ગો બ્રેન્ડન મેક્કુલમે ફટકાર્યા હતો. ઝહીર ખાનની બીજી ઓવરના બીજા બોલ પર મેક્કુલમે મિડવિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ લીગની પહેલી બાઉન્ડ્રી હતી. IPLનો પહેલો છગ્ગો પણ બ્રેન્ડન મેક્કુલમે જ ફટકાર્યો હતો. ઝહીર ખાનની બીજી ઓવરના ચોથા બોલ પર તેણે થર્ડ મેન પર છગ્ગો ફટકાર્યો હતો.
પહેલી સદી અને અડધી સદી
IPLના ઈતિહાસમાં પહેલી અડધી સદી પણ બ્રેન્ડન મેક્કુલમની છે. તેણે 32 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, તે અહીં જ ન અટક્યો. તેણે 53 બોલમાં સદી ફટકારી હતી. મેક્કુલમ 73 બોલમાં 158 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. તે લીગના ઈતિહાસમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.
પહેલી વિકેટ અને કેચ
IPLની પહેલી વિકેટ ઝહીર ખાને લીધી હતી. છઠ્ઠી ઓવરના બીજા બોલ પર, ઝહીરે સૌરવ ગાંગુલીને સ્લિપમાં જેક કાલિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આવી સ્થિતિમાં, પહેલો કેચ કાલિસના નામે નોંધાયેલો છે.
પહેલી મેડન ઓવર
IPLની મેડન ઓવર ગ્લેન મેકગ્રાના નામે છે. એટલું જ નહીં, લીગમાં પહેલી 4 વિકેટ પણ મેકગ્રાના નામે છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.
ઓરેન્જ અને પર્પલ કેપ
IPLમાં પહેલું સ્ટમ્પિંગ પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલના નામે છે. તેણે મહેલા જયવર્દનેને સ્ટમ્પ કર્યો હતો.
એશ્લે નોફકે IPLમાં રન આઉટ થનાર પ્રથમ બેટ્સમેન છે. અજિત અગરકર અને રિદ્ધિમાન સાહાએ તેને પવેલિયન મોકલ્યો હતો.
પહેલી IPLલ ઓરેન્જ કેપ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શોન માર્શે પહેરી હતી. તેણે પહેલી સિઝનમાં 616 રન બનાવ્યા હતા.
લીગની પહેલી પર્પલ કેપ પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ તનવીરે જીતી હતી. તેણે IPL 2008માં 22 વિકેટ લીધી હતી
શેન વોટસન IPLના ઈતિહાસમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી છે. પહેલી સિઝનમાં તે રાજસ્થાનનો ભાગ હતો.