
IPL-2025ની અંતિમ લીગ મેચમાં સૌથી મોંઘો ખેલાડી રિષભ પંત છેલ્લે છેલ્લે ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રિષભ પંતે ગઈકાલે આરસીબી સામેની સીઝનની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. જો કે, તેની આ સદી ટીમને જીત અપાવવામાં મદદરૂપ સાબિત નહોતી થઈ. આટલું જ નહીં, તેને બીસીસીઆઈ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
એલએસજીના કેપ્ટન રિષભ પંતને બીસીસીઆઈએ મંગળવારે રમાયેલી આરસીબી સામેની મેચમાં ધીમી ઓવરના બદલે રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે. એલએસજીએ આ સીઝનમાં (પહેલાં 5 એપ્રિલ અને બીજીવાર 26 એપ્રિલના રોજ) ત્રીજી વખત આ ભૂલ કરી હતી. જેથી પંતને આઈપીએલની આચારસંહિતા સંબંધિત ઓવર-રેટ ગુના હેઠળ રૂ. 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે ઈમ્પેક્ટ ખેલાડી સહિત પ્લેઈંગ ઈલેવનના અન્ય સભ્યો પર વ્યક્તિગતરૂપે રૂ. 12 લાખ અથવા મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
સૌથી મોંઘા ખેલાડીએ સીઝનમાં કઈ કમાલ ન કરી
આઈપીએલ 2025ની 18મી સીઝનમાં રિષભ પંત સૌથી વધુ રૂ. 27 કરોડમાં વેચાયો હતો. જો કે, તે આખી સીઝન દરમિયાન કોઈ દમદાર પર્ફોર્મન્સ આપી શક્યો ન હતો. ગઈકાલની તેની સીઝનની છેલ્લી મેચમાં તેનું કમબેક જોવા મળ્યું હતું. તેણે સદી ફટકારી હતી. આ સદી સાથે રિષભ પંત પણ ખૂબ ઉત્સાહમાં આવી ગયો હતો. અને તેણે પીચ પર જ ગુલાંટ લગાવી ખુશી વ્યક્ત કરી હતી. જો કે, ટીમના કેપ્ટન હોવાના કારણે સ્લો ઓવર રેટના અપરાધની જવાબદારી પંત પર આવી હતી. સ્લો-ઓવર રેટ નિયમમાં સંશોધનના કારણે ત્રણ વખત ભંગ કર્યો હોવા છતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી.
આરસીબીએ છ વિકેટે વિજય મેળવ્યો
ગઈકાલની મેચમાં પંતે 61 બોલમાં 118 રન બનાવ્યા હતાં. એલએસજીએ પહેલાં બેટિંગ કરતાં ત્રણ વિકેટમાં 227 રન બનાવ્યા હતાં. પરંતુ આરસીબીના વિરાટ કોહલીએ 54 અને જિતેશ શર્માએ 85 રન પર અણનમ રહી આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. એલએસજીએ સીઝનની કુલ 14 મેચમાંથી છમાં જીત હાંસલ કરી 12 પોઈન્ટ મેળવ્યા હતાં. જ્યારે આરસીબી 19 પોઈન્ટ સાથે ક્વોલિફાયર-1 માં પ્રવેશી છે.