
IPL 2025ની વચ્ચેમાં અચાનક વધુ એક ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે. આ એન્ટ્રી એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં થઈ છે, જે આ સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થયા બાદ, ચેન્નાઈનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીની જગ્યાએ ચેન્નઈએ સાઉથ આફ્રિકાના વિસ્ફોટક યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) ને સાઈન કર્યો છે. બ્રેવિસના આગમનથી નબળી દેખાતી CSKની બેટિંગને મજબૂતી મળવાની અપેક્ષા છે.
CSK એ શુક્રવાર, 18 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા બ્રેવિસ (Dewald Brevis) ને સાથે સાઈન કરવાની જાહેરાત કરી હતી. સાઉથ આફ્રિકાના આ 21 વર્ષીય યુવા બેટિંગ-ઓલરાઉન્ડરને ઈંજરી રિપ્લેસમેન્ટ તરીકે લાવવામાં આવ્યો છે. આ જાહેરાત પહેલા, CSK એ માહિતી આપી હતી કે અનકેપ્ડ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ગુર્જપનીતને આ સિઝનમાં એક પણ વાર રમવાની તક નથી મળી.
બ્રેવિસ CSKની બેટિંગને મજબૂતી આપશે
હવે ફ્રેન્ચાઇઝીએ ગુર્જપનિતની જગ્યાએ આ આક્રમક રાઈટી બેટ્સમેનનો ટીમમાં સમાવેશ કર્યો છે. ફાસ્ટ બોલરને બદલે બેટ્સમેનને સામેલ કરવા પાછળનું કારણ ચેન્નાઈની નબળી બેટિંગ છે. આ સિઝનમાં, ચેન્નાઈની ટીમ મોટા સ્કોર કરવામાં કે ઝડપી બેટિંગ કરવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને ટોપ ઓર્ડર આ બાબતમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આવી સ્થિતિમાં, CSK એ બ્રેવિસ (Dewald Brevis) નો સમાવેશ કર્યો છે, જે T20 ફોર્મેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેનો રેકોર્ડ પણ આનો સાક્ષી છે. આ બેટ્સમેને માત્ર 81 T20 મેચોમાં 123 છગ્ગા ફટકાર્યા છે.
IPL કારકિર્દી
બ્રેવિસ (Dewald Brevis) આ સમયે ઉત્તમ ફોર્મમાં છે. તાજેતરમાં, તેણે ક્રિકેટ સાઉથ આફ્રિકાની ડિવિઝન-1 T20 ટૂર્નામેન્ટની છેલ્લી 6 ઈનિંગ્સમાં એક સદી અને 3 અડધી સદી પણ ફટકારી હતી. પોતાની T20 કારકિર્દીમાં, આ બેટ્સમેને 145ની સ્ટ્રાઈક રેટથી 1787 રન બનાવ્યા છે. આમાં IPLનો પણ સમાવેશ થાય છે, જેમાં તેણે 2 સીઝન રમી હતી. બ્રેવિસે 2022માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી સિઝનમાં જ તેણે 7 મેચમાં 142ની સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા હતા. જોકે, 2023માં તેને તક નહતી મળી અને 2024માં, તે 3 મેચમાં ફક્ત 69 રન બનાવી શક્યો હતો. આ પછી, મુંબઈએ તેને રિલીઝ કરી દીધો અને આ વખતે પણ તેને મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર નહતો મળ્યો.