
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2025ની મેચ દરમિયાન ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. મંગળવારે થયેલા આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત 26 લોકો માર્યા ગયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને બુધવારે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
મેચ શરૂ થાય તે પહેલાં મૌન પાળવામાં આવશેમેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરશે, જ્યારે મેચ શરૂ થતાં પહેલાં એક મિનિટનું મૌન પણ પાળવામાં આવશે. એટલું જ નહીં આ મેચ માટે મેદાન પર કોઈ ચિયરલીડર્સ નહીં હોય. રમત જગતના લોકોએ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ આતંકવાદી હુમલા બાદ ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પીડિતોને શ્રદ્ધાંજલિ આપી છે.
મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ શહેર નજીક 'મીની સ્વિટ્ઝર્લૅન્ડ' તરીકે ઓળખાતા પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું બૈસરન ગાઢ જંગલો અને પર્વતોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે.
પહેલગામ હુમલા અંગે અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હથિયારબંધ આતંકવાદીઓ 'મીની સ્વિટ્ઝર્લૅન્ડ'માં ઘૂસી ગયા હતા અને રેસ્ટોરાંની આસપાસ ફરતા, ખચ્ચર પર સવારી કરતા, પિકનિક મનાવતા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT)ના ફ્રન્ટ સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ હુમલાની જવાબદારી લીધી છે.